જુનાગઢ : આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જુનાગઢમાં એનોખી સ્પર્ધા યોજાઇ હતી. નારી શક્તિ ગ્રુપ જુનાગઢ દ્વારા આજે મકરસંક્રાંતિના તહેવારો દરમિયાન ખાઈ શકાય અને દાન પણ આપી શકાય તેવી ખાધ્યચીજોમાંથી અલગ અલગ આભૂષણો બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બહેનોએ ખૂબ જ ઉમળકાભેર ભાગ લઈને આરોગ્ય માટે શ્રેષ્ઠ ખાધ્ય ચીજોમાંથી બિલકુલ અસલ આભૂષણ તૈયાર કર્યા હતાં.
મકરસંક્રાંતિને અનુરુપ આભૂષણ સ્પર્ધા : મકરસંક્રાંતિના તહેવારને ધ્યાને રાખીને જૂનાગઢની નારી શક્તિ મહિલા મંડળ દ્વારા ખાસ ખાદ્ય ચીજોમાંથી આભૂષણ બનાવવાની એક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈને ખાઈ શકાય તેવી ચીજોમાંથી બિલકુલ આબેહૂબ લાગે તે પ્રકારના આભૂષણો તૈયાર કરીને નિર્ણાયકોને પણ વિચારતા કરી મૂક્યા હતા. મકરસંક્રાંતિના તહેવારને ધ્યાને રાખીને અને ખાસ કરીને મકરસંક્રાંતિના દિવસે જે ચીજો અને દાન કરી શકાય તેમાંથી આભૂષણો તૈયાર કરીને બહેનોએ પણ એક અલગ પ્રકારે ખાદ્ય ચીજોમાંથી આભૂષણ બનાવવાનો મહાવરો પણ પ્રાપ્ત કર્યો હતો. શિયાળા દરમિયાન અને ખાસ કરીને મકરસંક્રાંતિના પર્વમાં જે ચીજ વસ્તુઓનું દાન કરવાનું અને સાથે સાથે તેને આરોગવાનું વિશેષ મહત્વ છે તેવી ચીજોમાંથી મહિલાઓએ આજે ખાઈ શકાય તેવા આભૂષણો તૈયાર કર્યા હતાં.
તલ ગોળ સહિત બીજી ચીજોનો કરાયો ઉપયોગ : શિયાળા દરમિયાન જે ખાધ્ય ચીજો આરોગ્ય માટે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે તેવા તલ ગોળ સિંગ દાળિયા લીલા ચણા મમરા સુકો મેવો ગાજર સહિત અનેક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને મહિલાઓએ ખાઈ શકાય તે પ્રકારના આભૂષણો તૈયાર કર્યા હતા. શિયાળા દરમિયાન આ પ્રકારની ચીજો ખાવાથી કોઈપણ વ્યક્તિના આરોગ્યને સમગ્ર વર્ષભરની તંદુરસ્તી પ્રાપ્ત થતી હોય છે તેવું આયુર્વેદ પણ માની રહ્યું છે. ત્યારે આ જ ચીજોને મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી ખૂબ મોટું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે તેવું સનાતન ધર્મના ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરાયો છે. ત્યારે આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ અને ધર્મ અને દાનની દ્રષ્ટિએ સર્વોત્તમ એવી ખાધ્ય ચીજો માંથી આજે મહિલાઓએ ખાઈ શકાય તેવા આભૂષણો તૈયાર કરીને સૌના મન મોહી લીધા હતાં.
મહિલાઓએ આપ્યો પ્રતિભાવ : નારી શક્તિ ગ્રુપના પારૂલબેન સુચકે સમગ્ર સ્પર્ધાને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના આ દિવસો દરમિયાન દાન પુણ્યની સાથે મહિલાઓ આરોગ્યની દ્રષ્ટિએ પણ વધુ જાગૃત બને તેમજ શિયાળા દરમિયાન મળતી તમામ ચીજ વસ્તુઓ પોતાના ઘરમાં ખોરાક તરીકે રાખે તેવી સમજણ પ્રત્યેક મહિલાને મળે તે માટે આજે વિશેષ ખાઈ શકાય તેવા પદાર્થો માંથી આભૂષણો બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. તો બીજી તરફ સ્પર્ધામાં ભાગ લેનાર મીનાબેન ઠક્કરે પણ ચણા તલ સહિત બીજી ચીજો માંથી આભૂષણો તૈયાર કરીને ખાધ્ય ચીજોનું આરોગ્ય પર ખૂબ મોટું યોગદાન છે તેને ઉજાગર કરતો પ્રયાસ કર્યો હતો.