આગામી બે કે ત્રણ દિવસમાં "મહા" વાવાઝોડું ભારતીય દરિયાઈ સીમાને ઓળંગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહા વાવાઝોડાને અસરને કારણે અરબી સમુદ્રના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ મહા વાવાઝોડું આગામી બે કે ત્રણ દિવસમાં કેરલના દરિયાકાંઠાથી ભારતીય જળ સીમામાં પ્રવેશ કરે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. "મહા" વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના આગમનની આગાહી પણ કરી છે.
ક્યાર વાવાઝોડાએ ખરીફ પાકોમાં ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યુ હતું. જેને કારણે ખેડૂતોનો મહામૂલો પાક હજુ પણ ખેતરમાં જોવા મળી રહ્યો છે. સમય રહેતા બજારમાં નહીં આવતા ખેડૂતો આર્થિક પાયમાલી તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે ફરી પાછું "મહા" નામના વાવાઝોડાનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. જેને કારણે ખેડૂતોનો તૈયાર પાક બજાર સુધી પહોંચે તેવી શક્યતાઓ નહીંવત જોવા મળી છે. અધૂરામાં પૂરું આ વાવાઝોડાને અસરને કારણે કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. જેને કારણે ખેડૂતોનો તૈયાર ચોમાસુ પાક આ માવઠાના વરસાદને કારણે પણ બગડી રહ્યો છે.