જૂનાગઢઃ ફરી એક વખત ગીરમાં સિંહોની સતામણીના વિડીયો વાયરલ થઇ રહ્યા છે, ત્યારે ભલગામ રેવન્યુ વિસ્તારમાં ગત તારીખ 25/4/2020ના રોજ બે ટ્રેકટર સાથે કેટલાક યુવાનો સિંહને પજવણી કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. જેને લઇને વન વિભાગે એક વ્યક્તિની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
જૂનાગઢ વન વિભાગ હેઠળની ડુંગર ઉત્તર રેન્જના રાણકીવાવ રાઉન્ડમાં ઇકો સેન્સેટીવ ઝોનમાં આવતા ભલગામ રેવન્યુ વિસ્તારમાં ગત 25/04/2020ના રોજ કેટલાક યુવાનો બે ટ્રેક્ટર પર સિહોની પજવણી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો જેને લઇને વનવિભાગે કાર્યવાહી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે.
તારીખ 25/04/2020ના રોજ ભલગામ ઇકો સેન્સેટીવ ઝોનમાં સિંહ મારણ કરીને ખાઈ રહ્યો હતો. ત્યારે ત્યાથી ટ્રેક્ટર પર પસાર થતા કેટલાક યુવાનોએ મારણ પર બેઠેલા સિંહને પજવણી કરીને તેને ત્યાંથી દૂર હડસેલી દીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વનવિભાગે તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત વનવિભાગે નવાગામના વિશાલ નાડોદાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અન્ય એક આરોપી રાજુ જેબલિયાને પકડવા માટે પણ વનવિભાગે કવાયત હાથ ધરી છે.