જૂનાગઢ: ગો ફર્સ્ટ નાદાર વિમાનન કંપનીની મુશ્કેલીમાં વધારો થશે તે પ્રકારના દિશાનિર્દેશો જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જૂનાગઢના સિનિયર મહિલા ધારાશાસ્ત્રી હેમાબેન શુક્લા દ્વારા એરલાઇન્સ કંપની સામે પ્રવાસની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવા બદલ પાંચ લાખ રૂપિયાના આર્થિક વળતરનો દાવો જુનાગઢ ગ્રાહક સુરક્ષા ફોરમમાં નોંધાવ્યો છે. ફોરમે આગામી 18મી તારીખે ગો ફર્સ્ટ વીમાનન કંપનીના જવાબદાર અધિકારી અને પદાધિકારીઓને હાજર રહેવાની નોટીસ ફટકારી છે.
ગ્રાહકોને મુશ્કેલીઓ: સિનિયર ધારાશાસ્ત્રી હેમા શુક્લ અને તેમના મિત્રો તેમજ પરિવારજનો ત્રીજી મે નિકોબાર ટાપુ પર વેકેશન માટે જઈ રહ્યા હતા. અચાનક ગો ફસ્ટ એરલાઇન્સે નાદારી નોંધાવતા તેમની 15મી તારીખની અંદામાન નિકોબાર ટાપુ પરથી પરત આવવાની ટિકિટ કેન્સલ કરી દીધી હતી. જેને કારણે અહીંથી પરત આવવાની અઠવાડિયા સુધી બીજી કોઈ ફ્લાઈટ નહીં હોવાને કારણે તેમને ત્રણ મેના દિવસે અમદાવાદથી વિસ્તારા એરલાઇન્સની ટિકિટ પણ કેન્સલ કરવાની ફરજ પડી હતી. જેને કારણે તેમનું વેકેશન ખરાબ થયું છે.
'વિમાન કંપની અને વિમાનન મંત્રાલયની બેદરકારી કે તેમની સંભવિત ભાગીદારી સામે સવાલો ઊભા કર્યા છે. કોઈ પણ વિમાન કંપની અચાનક નાદારી નોંધાવે તે વાત ગળે ઉતરતી નથી. સમગ્ર મામલામાં વિમાન કંપની પર સીધી રીતે નજર રાખતુ ભારત સરકારના વિમાન મંત્રાલય દેખીતી રીતે બેદરકાર હોવાનું કે વિમાન કંપની સાથે આંતરિક સાથે સાઠગાઠ રૂપે ભાગીદારી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.' -હેમા શુક્લા, સિનિયર ધારાશાસ્ત્રી
ગો ફર્સ્ટ કઈ સ્થિતિમાં છે?: ગો ફર્સ્ટ એરલાઇનની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી. તે વાડિયા ગ્રૂપની એરલાઇન છે, જે સસ્તી હવાઇ સેવાઓ પૂરી પાડતી અગ્રણી એરલાઇન્સમાંની એક છે. તેણે NCLTમાં નાદારીની અરજી પણ દાખલ કરી હતી. કંપનીએ જણાવ્યું કે હાલમાં તે કેશ અને કેરી મોડમાં પેમેન્ટ કર્યા પછી જ ફ્લાઈટ ઓપરેટ કરી શકશે. તેના ઉપર કુલ રૂ. 6,527 કરોડનું દેવું છે.