જૂનાગઢ મકરસંક્રાંતિના તહેવારે સૌરાષ્ટ્રમાં ગાયને સાત ધાન્યમાંથી બનાવવામાં આવેલો ખીચડો અને લીલો ઘાસચારો ખવડાવવાની વિશેષ પરંપરા જોવા મળે છે. જૂનાગઢમાં પણ મકરસંક્રાંતિના દિવસે ગાયને સાત ધાન્યમાંથી બનેલો ખીચડો ખવડાવીને લોકો મકરસંક્રાંતિની ઉજવણી કરતા હોય છે.
ખીચડો શું છે મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રમાં ગાયને શુદ્ધ ઘી સાથેની બનાવવામાં આવેલી ઘૂઘરી જેને ખીચડાના નામથી ઓળખવામાં આવે છે તે ખવડાવવાનું ખૂબ ધાર્મિક મહત્વ આજે પણ જોવા મળે છે. સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર મકરસંક્રાંતિના દિવસે ગાયને બાજરી, જુવાર કે ઘઉંમાંથી બનાવવામાં આવેલી ઘૂઘરી જેમાં દેશી ઘી, ગોળ અને તેલ મેળવીને આપવાની ધાર્મિક પરંપરા છે. જે વર્ષો બાદ પણ સૌરાષ્ટ્રમાં અકબંધ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના તહેવારને દાન અને પુણ્યના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે આજના દિવસે ગાયને શુદ્ધ ઘીમાંથી બનાવેલ ઘુઘરી અને ઘાસચારો ખવડાવવાની પરંપરા જોવા મળે છે.
આ પણ વાંચો Makarsankranti Special 2022 : તલ, ગોળ અને ખીચડો તમારા સ્વાસ્થ્ય પર કઇ રીતે પ્રભાવી છે?
સંક્રાંતિ ખગોળીયની સાથે ધાર્મિક તહેવાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યનું મકર રાશિમાં પરિભ્રમણ થાય છે. આજના દિવસે ખગોળીય ઘટનાની સાથે આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે. આ ઋતુ દરમ્યાન ખાસ કરીને ગાય વર્ગનું પાલતુ પ્રાણી તેના શરીરમાં શિયાળાની ઠંડી સામે રક્ષણ મળે તેમજ સંપૂર્ણ પૌષ્ટિક આહાર મળી રહે છે. જેથી મકરસંક્રાંતિના દિવસે ગાયને સાત ધાન્યમાંથી બનાવવામાં આવેલ ખીચડો જેને સૌરાષ્ટ્રની ભાષામાં ઘૂઘરી તરીકે ઓળખવામાં આવે છે તેે ખવડાવવાની પરંપરા સનાતન ધર્મ સંસ્કૃતિમાં આદિ અનાદિ કાળથી જોવા મળે છે. તે મુજબ આજના દિવસે લોકો ગાયને ઘરે બનાવેલી ઘૂઘરી અને લીલો ઘાસચારો ખવડાવીને પુણ્યની સાથે ગાયની તંદુરસ્તીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે મકરસંક્રાંતિની ધાર્મિક ઉજવણી પણ કરતા હોય છે.
આ પણ વાંચો Uttarayan 2022 Gujarat: મકરસંક્રાતિ દાન પુણ્યનો દિવસ, દરેક રાશિના જાતકોએ કરવું જોઈએ દાન
સાત ધાન્યમાંથી બને છે ખીચડો સંક્રાંતિના દિવસે ગાયને ખવડાવવામાં આવતો ખીચડો સાત ધાન્યમાંથી બનાવવામાં આવે છે. જેમાં બાજરી, જુવાર, ઘઉં, દેશી ગોળ, ઘી અને તેલને સપ્રમાણ મેળવીને ખીચડો બનાવવામાં આવે છે. સાત ધાન્યમાંથી બનેલા ખીચડાની તાસીર ગરમ હોવાને કારણે તેને આરોગ્યની દ્રષ્ટિએ અને ખાસ કરીને ગાય જેવા દૂધાળા પશુઓ માટે ખૂબ મહત્વનો મનાય છે. ઠંડીમાં રક્ષણ મળે અને સાથે સાથે ઠંડીને કારણે ગાયના દૂધમાં જે ઘટ જોવા મળે છે તેમાં નિયંત્રણ રાખી શકાય તે માટે પણ આ સમય દરમિયાન ગાયને સાત ધાન્યમાંથી બનાવવામાં આવેલ ખીચડો ખવડાવવાની સૌરાષ્ટ્રની વિશેષ ધાર્મિક પરંપરા જળવાયેલી આજે પણ જોવા મળે છે.