જૂનાગઢ: આજથી 89 વર્ષ પૂર્વે એકમાત્ર ગીરમાં જોવા મળતી અને આ વિસ્તારમાં જ મર્યાદિત બનેલી કેરી કેસરનું નામકરણ થયા બાદ આજે વિશ્વના સીમાડાઓ ઓળંગી રહી છે. ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવતી કેસર કેરીના નામકરણને લઈને આજે પ્રથમ વખત ફળોની રાણી કેસરનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો.
70 કરતા વધુ જાતની કેરીનો જમાવડો: જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં કેસર કેરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો કેરીના સ્વાદના રસિકોની સાથે બાગાયત વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હાજર રહીને ઇતિહાસમાં પહેલી વખત મનાવવામા આવેલા કેરીના જન્મદિવસ પ્રસંગના સાક્ષી બન્યા હતા. જેમાં કેસર કેરીની સાથે દેશ-વિદેશની 70 કરતા વધુ જાતની કેરીનો જમાવડો પણ જોવા મળ્યો હતો
ક્યારે થયું નામકરણ?: 25 મી મે 1930 ના દિવસે જૂનાગઢના અંતિમ નવાબ દ્વારા ગીર વિસ્તારમાં થતી કેરીને કેસર કેરીનું નામકરણ કરાયું હતું. નવાબના વજીર સાલેહભાઈએ તેમના આંબાવાડીમાં જોવા મળતા આંબામાં કેટલાક આંબા વિશેષ જોવા મળ્યા જેના ફળ પણ આંબળી કેરી કરતા અલગ જોવા મળતા હતા. આંબળી કેરીનો રંગ પીળાશ પડતો હતો જ્યારે વિશેષ આંબામાં પાકેલી કેરીનો રંગ કેસરી જેવો જોવા મળતો હતો જેને કારણે જૂનાગઢના નવાબે 25 મે 1930 ના દિવસે કેરીને કેસર કેરી તરીકેનું નામકરણ કર્યું હતું.
ખેડૂતે સરકાર સમક્ષ લગાવી ગુહાર: ધાવા ગામના ખેડૂત સંજયભાઈ વાગડીયાએ કેરીના જન્મદિવસ પ્રસંગે સાક્ષી બનવાનો ખેડૂત તરીકે ખૂબ જ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને જે પ્રકારે ફળોના જન્મદિવસ મનાવવાની પરંપરા શરૂ થઈ છે તેને આવકારી છે. આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે ફળોના જન્મદિવસની ઉજવણી થતી રહે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે પાછલી બે પેઢીથી કેરીની ખેતી સાથે સંકળાયેલા સંજયભાઈ વાગડિયાએ કેરીને પાક વીમા નીચે સરકાર દ્વારા આવરી લેવામાં આવે તેવી માંગ પણ કરી છે.