જૂનાગઢ : સતત બદલાતા વાતાવરણની વચ્ચે હાલ શાકભાજીના ભાવોમાં આસમાની તેજી વર્તાઈ રહી છે. કેટલાક દિવસથી એક સાથે ત્રણ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે, સવારે ક્યારેક ઠાર પડે છે, બપોર વચ્ચે વધુ પડતી ગરમી અને સાંજ થતાં ક્યારેક વરસાદ જેવું વાતાવરણ પણ થઈ જાય છે. ત્યારે આ તમામ કુદરતી પરિબળો હવે શાકભાજીના કૃષિ પાકો પર તેની વિપરીત અસરો ઊભી કરી રહ્યા છે. જેને કારણે શાકભાજીના બજાર ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે.
શાકભાજીનો કૃષિ પાક નષ્ટ : સૌરાષ્ટ્રમાં મોટેભાગે શિયાળા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનું વાવેતર થતું હોય છે. જેને કારણે શાકભાજીની સ્થાનિક અને જથ્થાબંધ બજાર કોઈ પણ વર્ગના ગ્રાહકને પરવડે તે પ્રકારે પ્રતિ કિલો મોટાભાગની શાકભાજી વેચાતી હોય છે, પરંતુ પાછલા 15 દિવસ દરમિયાન વાતાવરણમાં બદલાવ કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રનો પારંપરિક શાકભાજીનો કૃષિ પાક નષ્ટ થઈ રહ્યો છે અથવા તો તેની આવકમાં ચિંતાજનક રીતે ઘટાડો થયો છે.
આ પણ વાંચો : Unseasonal Rain : 80 હજાર ડુંગળીની ગુણી પર પાણી ફરી વળ્યું, માવઠાની ખેડૂતને થપાટ
અન્ય રાજ્યમાંથી શાકભાજીની આવક : આવી પરિસ્થિતિમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને છૂટક બજારોમાં શાકભાજીની સ્થાનિક આવક ઓછી થઈ છે. જેને કારણે બજારમાં શાકભાજીનો પુરવઠો યથાવત રાખવા માટે અન્ય રાજ્ય અને ખૂબ મોંઘા કહી શકાય તે પ્રકારના ગ્રીન હાઉસની અંદર ઉત્પાદિત થયેલા શાકભાજી આવી રહ્યા છે. જેને કારણે બજાર કિંમતમાં અસામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Kutch News : આંબેથી કેરીઓ પડી નીચે, 90 ટકા માલ ખરી જતા ખેડૂતોને રોવાનો વારો
કેટલાક શાકભાજીએ સદીનો આંક વટાવ્યો : ગુવાર, ભીંડા, લીંબુ, ચોળી અને રીંગણ આ શાકભાજી આજે છૂટક બજારમાં પ્રતિ કિલોએ સદી ફટકારી ચૂક્યા છે. આગામી દિવસોમાં પણ તેમાં કોઈપણ ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળતી નથી. લીંબુ છૂટક બજારમાં પ્રતિ કિલો 150થી 170 રૂપિયા એ મળી રહ્યા છે. ગુવાર પણ આ જ પરિસ્થિતિમાં પ્રતિ કિલો 150ની આસપાસ વહેંચાઈ રહ્યો છે. તો ભીંડા પ્રતિ કિલો 100 રૂપિયા, ચોળી પ્રતિ કિલો 120 રૂપિયાની આસપાસ વહેંચાઈ રહી છે. જેની વિપરીત અસર હવે સામાન્યથી લઈને શાકભાજી ખરીદનાર તમામ વર્ગ પર જોવા મળી રહી છે. જે શાકભાજી હાલ 150 કે 100ની આસપાસ છૂટક બજારમાં વહેંચાઈ રહ્યા છે. તેમાં પણ આગામી દિવસોમાં અપાકૃતિક ઉછાળો આવે તેવી તમામ શક્યતાઓ શાકભાજીના છૂટક વેચાણ કરતા વેપારી હરસુખ પટેલ જણાવી રહ્યા છે.