જુનાગઢ: એશિયાના સૌથી જૂના સક્કર બાગ પ્રાણી સંગ્રહાલયમાં રાજસ્થાનના ઘડિયાર મગરની બે અને રણ લોકડીની એક જોડીનું આજે આગમન થયું છે, જુનાગઢ ઝુ દ્વારા ઘડિયાર મગર અને લોકડીના બદલામાં એક જોડી ગીરના સાવજો આપવામાં આવ્યા છે. ભારત સરકારના ઝુ ઓથોરિટી દ્વારા પ્રાણીઓના આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ અને જયપુર વચ્ચે આજે પ્રાણીનું આદાન-પ્રદાન થયું છે. જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા ઘડિયાર મગર અને રણ લોકડી આજથી પ્રવાસીઓના દર્શન માટે પણ મૂકવામાં આવ્યા છે.
પ્રાણીઓનું આદાન-પ્રદાન: ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા પ્રાણીઓના આદાન-પ્રદાનને લઈને અને ખાસ કરીને ગિરના સિંહના બદલામાં જે તે વિસ્તારના પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં આપવાની એક પરંપરા શરૂ થઈ હતી. જે આજે પણ જોવા મળી રહી છે. આ પરંપરા ભારતના સીમાડાઓ ઓળંગીને યુરોપના દેશો સુધી પણ પહોંચેલી જોવા મળે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા સિંહોના સંવર્ઘન સેન્ટર માંથી નર અને માદા સિંહની જોડીને લંડન સહિત યુરોપ અને એશિયાના કેટલાક દેશોમાં મોકલવામાં આવી છે. તેના બદલામાં ત્યાંથી અન્ય પ્રાણી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ભારત સરકારને પ્રાપ્ત થયા છે, જે ગુજરાત રાજ્ય સહિત દેશના અનેક પ્રાણી સંગ્રહાલયોમાં પણ જોવા મળે છે.
જુનાગઢ ઝુમાં નવા મહેમાન:જુનાગઢ પ્રાણી સંગ્રહાલયના નિયામક અક્ષય જોશીએ જણાવ્યું હતુ કે, ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા પ્રાણીના આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ ઝુ માંથી એક જોડી સિંહની રાજસ્થાનના જયપુર જૂને આપવામાં આવી છે, તેના બદલામાં બે જોડી ઘડિયાર મગર અને એક જોડી રણ લોકડી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પ્રાપ્ત થયા છે.