- જૂનાગઢ પોલીસને મળી સફળતા,1 વર્ષથી ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો
- હિંમતનગર પોલીસની મદદથી બગિયાસિંઘને પકડી પાડવામાં મળી સફળતા
- પાછલા એક વર્ષથી પ્રોહિબિશનના ગુન્હામાં જૂનાગઢ પોલીસના ચોપડે આરોપી હતો ફરાર
જૂનાગઢ : જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળી હતી. જિલ્લાના કેશોદ અને વંથલી તાલુકામાં પાછલા એક વર્ષથી પ્રોહિબિશનના વિવિધ ગુન્હાઓમાં મૂળ પંજબના ફિરોઝાબાદના બગિયાસિંઘ પોલીસ ચોપડે ફરાર જોવા મળતો હતો. ત્યારે સમગ્ર કેસની તપાસ જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી. ત્યારે પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે પોલીસ અધિકારીઓએ પંજાબના ફિરોઝાબાદમાં આરોપીને લઈને તપાસ કરતા આરોપી અહીં હાજર નહિ મળતા પોલીસ પરત જૂનાગઢ ફરી હતી અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

આરોપી હિંમતનગરમાંથી મળી આવ્યો
જેની તપાસ કરતા પોલીસ અધિકારીઓને આરોપીની વધુ એક બાતમી મળી હતી. તે મુજબ તે હિંમતનગરના સાગરદાણ વિસ્તારમાં હોવાની માહિતી મળતા જૂનાગઢ પોલીસે હિંમતનગર પોલીસનો સંપર્ક કરતા બગિયાસિંઘ અહીંથી મળી આવતા હિંમતનગર પોલીસે વિધિવત અટક કરીને જૂનાગઢ પોલીસને હવાલે કર્યો હતો. અહીં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપી એક વર્ષ દરમિયાન કોઈ ગુન્હાહિત કાર્ય કર્યું છે કે, નહિ તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.