- જૂનાગઢ પોલીસે લૂંટ કર્યાની ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપ્યો
- જિલ્લાના ભેસાણ શહેરમાંથી ઇલેક્ટ્રિકની દુકાનમાંથી કરી હતી રોકડ રૂપિયાની લૂંટ
- પોલીસે ઝડપી પાડેલા આરોપી પાસેથી 3 લાખ કરતા વધુની રોકડ પણ મળી આવી
જૂનાગઢ: જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી હતી. જિલ્લાના ભેસાણ શહેરમાંથી ધોળે દિવસે 3.77 લાખ જેટલી રોકડની લૂંટ કરીને ફરાર થઈ ગયેલા આરોપીને જેતપુર જૂનાગઢ ધોરીમાર્ગ પરથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. ભેંસાણમાં આવેલા મોણપરા ઇલેક્ટ્રિકલ અને એન્જિનિયરિંગની દુકાનમાં એક વ્યક્તિ લેમ્પ ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશી દુકાનમાં પડેલી રોકડ રકમ પર તેમની નજર જતા લૂંટ કરીને ફરાર થઈ જતા સમગ્ર ઘટનાની જાણ દુકાનદારને થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ગણતરીની કલાકોમાં જ જૂનાગઢ પોલીસે આરોપીને ત્રણ લાખ કરતા વધુની ચોરીની રકમ સાથે ઝડપી પાડ્યો છે.
ગ્રાહકના સ્વાંગમાં આવેલો ચોર ગઠિયો ચોરી કરવામાં સફળ
ગ્રાહકના સ્વાંગમાં આવેલો ચોર ગઠીયો ખૂબ જ સફળતાથી દુકાનદારની નજર ચૂકવીને દુકાનમાં પડેલી રોકડ રકમ ચોરી કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ પોલીસે તેના તમામ ઈરાદાઓ પર પૂર્ણ વિરામ મૂકીને જેતપુર જૂનાગઢ હાઇવે પરથી પકડી પાડ્યો હતો. દુકાનમાં પડેલી મોટી રકમ જોઈને ચોર ગઠીયાએ રકમને ચોરી કરવાનો મનસૂબો બનાવ્યો અને તેમાં સફળ પણ રહ્યો હતો. જ્યારે દુકાનદાર બપોરના સમયે જમવા માટે બહાર જતાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરે આ સમયે તક ઝડપી લઈને દુકાનમાં પડેલા 3.77 લાખ રૂપિયાને ચોરી કરીને બાઇક પર ફરાર થઈ ગયો હતો. જેની ફરિયાદ કરતા જૂનાગઢ એલ.સી.બીએ બાઇક પરથી આરોપીનું લોકેશન પકડી પાડ્યું હતું અને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.