જૂનાગઢ : જૂનાગઢમાં આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વધુ નવી ત્રણ ટાઉન પ્લાનિંગ સ્કીમો અમલમાં લાવવા જઈ રહી છે. હાલ સાત ટાઉન પ્લાનિંગ સ્કીમ બની ચૂકી છે. આગામી દિવસોમાં ત્રણ ટાઉન પ્લાનિંગ સ્કીમોને લઈને પણ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જૂનાગઢ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો અને લોકો સાથે વાતચીત થઈ રહી છે. તેના નિરાકરણ બાદ આગામી દિવસોમાં વધુ ત્રણ ટાઉન પ્લાનિંગ સ્કીમ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં શરૂ થશે.
જૂનાગઢમાં શરૂ થશે ત્રણ ટીપી યોજના : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જુનાગઢ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા આગામી દિવસોમાં કોર્પોરેશન વિસ્તારમાં વધુ ત્રણ નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો શરૂ કરવાને લઈને કામગીરી હાથ ધરાઈ છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ સાત જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં છે. ત્યારે વધુ નવી ત્રણ સ્કીમ આવવાથી જૂનાગઢ મનપા વિસ્તારમાં કુલ 10 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં જોવા મળશે. ટાઉન પ્લાનિંગ થકી શહેરના વિકાસ અને ખાસ કરીને માળખાકીય સુવિધાઓના વિકાસને લઈને તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમો બનાવવામાં આવી છે. તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના પેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ ટાઉન પ્લાનિંગને લઈને વિગતો આપી હતી.
ટીપી સ્કીમથી શહેરનો વિકાસ : હાલ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જૂડા દ્વારા શાપુર ટીંબાવાડી ચોબારી ઝાંઝરડા જોશીપુરા અને સુખપુર ગામમાં ટાઉન પ્લાનિંગ યોજનાને લઈને કામગીરી શરૂ કરાય છે. આગામી દિવસોમાં જૂનાગઢ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા વધુ નવી ત્રણ ટીપી સ્કીમો કોર્પોરેશન વિસ્તારમાં શરૂ કરીને કોર્પોરેશનના લોકોને માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટેનો પ્રયાસ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં કોર્પોરેશન વિસ્તારમાં રોડ રસ્તાની સાથે બાગ બગીચા ફાયર સ્ટેશન હોસ્પિટલ શાળા આંગણવાડી અને મનોરંજનના વિવિધ આયામો ઉભા કરીને લોકોને જાહેર સુવિધાઓથી પરિપૂર્ણ કરવામાં આવશે. જેના માટે આ ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવામાં આવી રહી છે.
વિવિધ તબક્કાઓ શરૂ : ખેડૂતો અને અસરગ્રસ્તો સાથે વાત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટાઉન પ્લાનિંગ સ્કીમોને લઈને અસરગસ્ત વિસ્તારોમાં ખેડૂતોની સાથે અન્ય લોકોને જમીન સંપાદનમાં જે સમસ્યાઓ આવી રહી છે તેને લઈને જૂનાગઢ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા વાતચીતના વિવિધ તબક્કાઓ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જે લોકોની જમીન ટાઉન પ્લાનિંગ સ્કીમ નીચે આવવાની છે તેવા લોકોને તેમની યોગ્યતા અનુસાર જમીનના વળતરની સાથે તેમને ટાઉન પ્લાનિંગમાં શામેલ કરવાની યોજના પણ બની રહી છે. ટાઉન પ્લાનિંગ અસ્તિત્વમાં આવ્યા બાદ કોર્પોરેશનના ગીચ વિસ્તારોમાં પણ રોડ રસ્તાની સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે જેને લઈને હાલ જૂડા અને મનપા દ્વારા કામ શરૂ કરાયું છે.