જૂનાગઢ : આધુનિક હવામાન વિભાગ ન હતું ત્યારે ગામડાના લોકો કુદરતી સંકેત દ્વારા ચોમાસાના વરસાદનું અનુમાન કરતા હતાં. તે પૈકી એક એટલે ટીટોડીના ઈંડા પરથી ચોમાસાના વરસાદનું અનુમાન. આ પદ્ધતિથી આજે પણ દેશી આગાહીકારો વરસાદનું અનુમાન લગાવી રહ્યાં છે. જૂનાગઢના મોહનભાઈ દલસાણીયા પણ આજ પ્રકારે કુદરતી સંકેતો દ્વારા ચોમાસાના વરસાદની આગાહી કરે છે. કઇ રીતે કરવામાં આવે છે વરસાદનો વર્તારો તે જાણીએ.
ટીંટોડીના ઈંડા પર વરસાદનું અનુમાન : વર્ષો પૂર્વે દેશી આગાહીકારો દ્વારા કુદરતમાંથી મળતા સંકેતો મુજબ ચોમાસાના વરસાદને લઈને અનુમાન રજૂ કરતાં હતાં વર્ષો પૂર્વેની આજ પ્રણાલી આજે પણ જોવા મળે છે. કુદરત દ્વારા મળતા સંકેતો પૈકી ટીટોડીના ઈંડા પરથી પણ વરસાદ અને ચોમાસાના ચાર મહિનાનું અનુમાન કરવામાં આવતુ હતુ તે આજે પણ જોવા મળે છે. ટીટોડીના ઈંડાને લઈને થતું વરસાદનુ અનુમાન મોટાભાગે ખૂબ સટિક સાબિત થતું હોય છે.
આ પણ વાંચો:
કઇ રીતે જોવાય છે ઈંડા : આ બાબતમાં ટીટોડીના ચાર ઈંડાને ચોમાસાના ચાર મહિનાના પ્રતીકરૂપે જોવામાં આવે છે. ઈંડાની સંખ્યા અને ઈંડાની ચાંચનો ભાગ જમીનમાં કઈ રીતે છે, ઈંડુ આડું છે કે ઉભું તેના પર પણ ચોમાસાના ચાર મહિના દરમિયાન કયા મહિનામાં કેટલો અને કેવો વરસાદ પડી શકે છે તે વિશે ઈંડાની સ્થિતિને જોઇને દેશી આગાહીકારો વરસાદનું અનુમાન લગાવે છે.
આ છે લોકવાયકા : ઘણા વર્ષોથી દેશી વર્ષા વિજ્ઞાન આગાહીકારોના સંગઠન સાથે જોડાયેલા મોહનભાઇના જણાવ્યા પ્રમાણે વૈશાખ મહિનામાં ટીટોડીના ઈંડા ખેતરોમાં જોવા મળતા હોય છે. જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચાં બહાર ન આવે ત્યાં સુધી જમીન પર રેલાય તે પ્રકારનો વરસાદ થતો નથી તેવી લોકવાયકા આજે પણ ખૂબ જ દ્રઢપણે જોવા મળે છે. મોટાભાગના વિસ્તારોમાં આ લોકવાયકા મુજબ વરસાદની સ્થિતિ પણ જોવા મળતી હોય છે.
ટીટોડીના ઈંડા પૈકીનું કોઈ પણ ઈડુ જમીનમાં આડું પડેલું જોવા મળે તો આ એક મહિના દરમિયાન વરસાદનું પ્રમાણ નહીવત હોવાનું અનુમાન છે. વધુમાં આંબાનો મોર, બોરડીમાં બોરનો પાક, લીંબૂડી, લીમડામાં જોવા મળતી લીંબોળી અને જમીનમાં જોવા મળતા રાફડાઓના કદ અને તેના સમયને લઈને પણ વરસાદનું અનુમાન કરવામાં આવે છે...મોહનભાઈ દલસાણીયા (દેશી આગાહીકાર)
ખેડૂતોમાં વરસાદ અનુમાનની પરંપરાઓ : ટીંટોડી નામનું પક્ષી તેના અવાજને કારણે પણ તરત ધ્યાન ખેંચતું હોય છે. ટીંટોડી જમીન પર ઇંડા મૂકતી જોવા મળે છે તેમ છત પર કે વૃક્ષ પર મૂકે તે પ્રમાણે દેશી આગાહીકારો વરસાદનું અનુમાન લગાવતાં હોય છે. જમીન પર મૂકેલા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યાં બાદ જમીન પરથી રેલાય એવો એટલે કે વધુ વરસાદ જોવા મળતો હોય છે. આ પ્રકારનું દેશી ઋતુવિજ્ઞાનની પરંપરા વર્ષો પૂર્વે શરૂ થઈ હતી તે આજે આધુનિક હવામાન શાસ્ત્રના સમયમાં પણ સચોટપણે જોવા મળે છે અને તેમાં આજે પણ ગામડાના ખેડૂતો અને લોકો ખૂબ જ દ્રઢતાપૂર્વક વિશ્વાસ પણ ધરાવે છે.