જૂનાગઢ : પોલીસ પ્રજાનો મિત્ર આ સૂત્રને આજે જૂનાગઢમાં ફળીભૂત કરવામાં આવ્યું છે. રાજકોટથી જૂનાગઢ આવેલા નિકિતાબેન પરમાર નામની મહિલાનું પર્સ મજેવડી દરવાજાથી અગ્રાવત ચોક સુધીમાં અકસ્માતે પડી જતા ખૂબ જ ચિંતાતુર બનેલ મહિલા નિકિતાબેને જુનાગઢ પોલીસનો સંપર્ક કર્યો. 12 લાખ કરતા વધુની કિંમતના દાગીના ભરેલું પર્સ અકસ્માતે કોઈ જગ્યાએ પડી જતા પોલીસ પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો હતો.
પોલીસની ટીમો કામે લાગી : જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચનાથી બે ટીમો બનાવીને યુદ્ધના ધોરણે મહિલાના દાગીના ભરેલું પર્સ શોધવા માટે કામગીરી શરૂ કરી. એલસીબી પી આઈ જે જે પટેલ અને નેત્રમ શાખાના પીઆઈ જતીન મશરૂની આગેવાનીમાં બે ટીમ યુદ્ધના ધોરણે ગુમ થયેલા પર્સને શોધવાની કામગીરીમાં જોતરાઈ ગઈ અને અંતે ત્રણ કલાકની જહેમત બાદ મહિલાનુ ગુમ થયેલું દાગીના સાથેનું પર્સ મળી આવ્યુ અને મહિલાના જીવમાં જીવ આવ્યો.
મહિલાના મુસાફરી રૂટ પર તપાસ : રાજકોટની નિકિતાબેન પરમાર એસટી બસ મારફતે રાજકોટથી જુનાગઢના મજેવડી દરવાજા વિસ્તારમાં ઉતરીને અહીંથી ઓટો રીક્ષા મારફતે અગ્રાવત ચોકમાં આવેલા તેમના ઘરે પરત જતા અકસ્માતે કોઈ જગ્યાએ પર્સ પડી જતા સમગ્ર ઘટના બનવા પામી હતી. ત્યારે એલસીબી પીઆઇની અધ્યક્ષતામાં બનેલી એક ટીમે મજેવડી દરવાજાથી લઈને અગ્રાવત ચોક સુધીના વિસ્તારમાં તેમજ નિકિતાબેન જે બસમાં રાજકોટથી જૂનાગઢ આવ્યા હતાં તે બસમાં સઘન તપાસ કરી. પરંતુ મહિલાએ દર્શાવેલી વિગત સાથેનું પર્સ માર્ગ કે એસટી બસમાંથી નહીં મળી આવતા અંતે તપાસ નેત્રમ શાખા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી મારફતે શરૂ કરવામાં આવી.
નેત્રમ શાખાને મળી સફળતા : નેત્રમ શાખાના પીઆઈ જતીન મશરૂની આગેવાનીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મજેવડી દરવાજાથી લઈને અગ્રાવત ચોક સુધીમાં લગાવવામાં આવેલા તમામ સીસીટીવીના ડેટા તપાસવામાં આવ્યા. આ વિસ્તારમાં મજેવડી દરવાજાથી લઈને અગ્રાવત ચોક સુધી નિકિતાબેન રિક્ષામાંથી ઉતરે છે ત્યાં સુધીમાં કોઈ પણ ચીજવસ્તુઓ પડતી જોવા ન મળી. પરંતુ અગ્રાવત ચોકથી માત્ર 100 મીટરના અંતરે આવેલા તેમના ઘર સુધીના વિસ્તારમાં પર્સ ગુમ થયું હોવાની શક્યતા પ્રબળ બનતા પોલીસે અગ્રાવત ચોકથી તેમના ઘર સુધીના 100 મીટરના વિસ્તારમાં તપાસ કરતા નિકિતાબેનનું અકસ્માતે પડી ગયેલું પર્સ તેમના વિસ્તારમાં એક દુકાનદારને મળ્યુ હતું જે તેમણે તેમની પાસે રાખ્યું હતું. પોલીસની ટીમ જ્યારે તપાસમાં ગઈ ત્યારે વેપારીએ તેમને આ પર્સ રોડ પરથી મળેલું છે તેવું નિવેદન આપીને પોલીસને પરત કર્યું હતુ. ત્યારબાદ પોલીસે સંપૂર્ણ તપાસ કરતા તમામ દાગીના સાથેની વિગતોનું પર્સ મહિલાને પરત અપાવીને આજે ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તેને સાર્થક કર્યું હતું.
પર્સમાં હતા 12 લાખ કરતાં વધુના દાગીના : નિકિતાબેન પરમારના પર્સમાં 12,70,500 ના 242 ગ્રામ સોનાના દાગીના હતાં. જેમાં 124 ગ્રામનો એક હાર કંગન 48 ગ્રામ 6 જોડી બુટ્ટી 36 ગ્રામ કાનસરની એક જોડી 14 ગ્રામ ત્રણ વીટી, 10 ગ્રામ અને 10 ગ્રામનો એક ચેઈન ખોવાયેલા પર્સમાં હતો. પોલીસની સફળતાપૂર્વકની અને ખૂબ જ ઓછા સમયગાળામાં થયેલી કામગીરીને કારણે આજે એક મહિલાને 12 લાખ કરતા વધુના દાગીના ભરેલું પર્સ બિલકુલ સલામત રીતે તેમને પ્રાપ્ત થયું છે. જેથી નિકિતાબેન પરમારે પણ જૂનાગઢ જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો.