જૂનાગઢ : રાજ્યમાં સતત વધી રહેલા હૃદય રોગના હુમલાને કારણે નવરાત્રિના નવ દિવસો દરમિયાન ઈમરજન્સી સેવા એટલે કે 108 એમ્બ્યુલન્સને પ્રત્યેક ગરબાના જાહેર સ્થળો પર હાજર રાખવામાં આવી હતી. નવરાત્રિના આ દિવસો દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હૃદય રોગથી એક પણ ખેલૈયાનું મોત થયું નથી. નવરાત્રિના નવ દિવસો દરમિયાન કુલ 62 જેટલા કિસ્સામાં 108ની સેવા લોકોને પૂરી પાડવામાં આવી હતી.
108 ખડેપગે હૃદય રોગથી કોઈ મોત નહીં : પાછલા કેટલાક દિવસોથી યુવાન અને કિશોર વયના વ્યક્તિઓ પણ હૃદય રોગના હુમલાથી મોત નીપજવાની ચિંતાજનક સમાચારો સતત સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિની વચ્ચે નવરાત્રીના નવ દિવસો દરમિયાન રાજ્યની ઇમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સને ગરબાના જાહેર સ્થળોએ ગરબાના સમય દરમિયાન ખડે પગે રાખવામાં આવી હતી. રાજ્યના અન્ય જિલ્લાઓમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓનું મોત થયાના ચિંતાજનક સમાચારો સામે આવ્યા હતા. પરંતુ જૂનાગઢ જિલ્લામાં નવરાત્રીના નવ દિવસો દરમિયાન એક પણ ખેલૈયાનું કે ગરબા જોવા માટે આવેલા કોઈ પણ વ્યક્તિનું મોત હૃદય રોગના હુમલાને કારણે થયું નથી.
108ના પ્રોજેક્ટ મેનેજરે આપી વિગતો : જૂનાગઢ જિલ્લામાં 108 સેવાના પ્રોજેક્ટ મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણ ઈટીવી ભારતને ટેલીફોનિક વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લાના તમામ તાલુકાઓમાં 16 જેટલી એમ્બ્યુલન્સ મારફતે દરરોજ તમામ પ્રકારની બીમારીના કિસ્સામાં લોકોને સેવાઓ પૂરી પાડવામાં આવે છે..
સામાન્ય દિવસો કરતા તહેવારોના દિવસોમાં ઈમરજન્સીના કિસ્સા સરેરાશ વધતા હોય છે જેને ધ્યાને રાખીને ઇમરજન્સી સેવાઓ દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે ત્યારે નવરાત્રિના તહેવારો દરમિયાન પણ વિશેષ આરોગ્ય લક્ષી સુવિધાઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને નવ દિવસ દરમિયાન 62 જેટલા વ્યક્તિઓને હૃદય રોગના કિસ્સામાં સારવાર આપવામાં આવી હતી આગામી દિવાળીના તહેવારને ધ્યાને લઈને પણ 108 સેવા દ્વારા લોકોને આકસ્મિક અને ઇમરજન્સીના કિસ્સામાં મેડિકલ સવલતો મળી રહે તે માટેનું આયોજન પણ કરાયું છે...મહેન્દ્રસિંહ ચૌહાણ ( 108 સેવાના પ્રોજેક્ટ મેનેજર )
નવરાત્રી દરમિયાન 62 જેટલા વ્યક્તિઓને અપાઈ સેવા : નવરાત્રીના નવ દિવસો દરમિયાન જૂનાગઢ જિલ્લામાં મળીને કુલ 16 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા જૂનાગઢ સહિત અન્ય તાલુકા મથકોમાં કાર્યરત રાખવામાં આવી હતી ત્યારે નવરાત્રિના તહેવાર દરમિયાન કુલ 62 જેટલા હૃદય રોગના દર્દીઓને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી વાત ઓક્ટોબર મહિનાની કરીએ તો 23 તારીખ સુધીમાં અંદાજિત 172 જેટલા હૃદય રોગના દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં પહોંચાડવા માટેની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.