જૂનાગઢ : આધુનિક સમયમાં સૌરાષ્ટ્રમાં પ્રાચીન પરંપરા અને કુદરતમાંથી મળતા સંકેતોમાંથી અભ્યાસ કરીને દેશી આગાહીકારો આજે ચોમાસાના પણ વર્તારા રજૂ કરે છે. જેમાં વરસાદનું પ્રમાણ, તેના દિવસો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, કયા સમયે વાવેતર કરવું, કયા કૃષિ પાકનું વાવેતર અનુકૂળ રહેશે. આ તમામ વિગતો પર તેમના અભ્યાસ બાદ ચોમાસાને લઈને આગાહીઓ કરતા હોય છે. આ પરંપરા છેલ્લા અનેક દસકાઓથી સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. જે આજે આધુનિક યુગમાં પણ ખૂબ જ સચોટતાથી આગળ વધી રહી છે.
દેશી આગાહીકારોનું અનુમાન : દેશી આગાહીકારો દ્વારા કુદરતમાંથી મળતા સંકેતો પરથી આગામી વર્ષ ચોમાસાને અનુલક્ષીને વર્ષ કેવું રહેશે તેના પર આગાહીઓ કરતા હોય છે. આવા દેશી આગાહીકારો દર વર્ષે 1994થી સતત જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એકઠા થાય છે. તમામ આગાહીકારો દ્વારા તેમના ગહન અભ્યાસ બાદ જે તારણો કાઢવામાં આવે છે અને તેને રજૂ કરવામાં આવે છે. ભડલી વાક્યો, લોકવાયકા, જ્યોતિષ, વિદ્યા, વનસ્પતિ, પશુ-પક્ષીઓની ચેષ્ટા અવકાશીય, કસ શિયાળાનો ગર્ભ શિયાળા, ઉનાળા દરમિયાન જોવા મળતું તાપમાન, અખાત્રીજના પવન અને હોળીની જાળ સહિત ટીટોડીના ઈંડા જેવી અનેક પ્રાચીન પદ્ધતિઓ દ્વારા ચોમાસાનો વરસાદ વિશે તેનો વર્તારો રજૂ કરતા હોય છે.
પાકની પસંદગી અને વાવણીના સમયને ધ્યાને રાખીને આવનારું વર્ષ બાર આની થશે. ચોમાસાનો પ્રથમ તબક્કો જૂન મહિનાના ત્રીજા અઠવાડિયાથી શરૂ થાય તો જુલાઈ મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયા દરમિયાન હેલી કે અતિવૃષ્ટિ જેવો અતિ ભારે વરસાદ પડશે તેવું અનુમાન લાગી રહ્યું છે. આ વર્ષે કુદરતી સંકેતો પરથી સ્પષ્ટ થાય છે કે અતિ ભારે વરસાદ ખૂબ પાછતરો જોવા મળશે. આ સમય દરમિયાન સાપ અને વીંછી કરડવાના બનાવવામાં અચાનક વધારો જોવા મળશે. ખેડૂતો આ વર્ષે મગફળીનું વાવેતર કરે તો તેઓ નફામાં રહેશે. કપાસ અને સોયાબીનના પાક માટે યોગ્ય વળતર અપાવનારું નહીં નીકળે તેવું અનુમાન છે. - રમણીક વામજા (દેશી આગાહીકાર વંથલી)
સૌથી વધારે વરસાદ : કુતિયાણા ભીમા ઓડેદરાએ વરસાદને લઈને જણાવ્યું હતું કે, આવનારું વર્ષ પૂરતા પ્રમાણમાં વરસાદનું નહીં હોવાનું તેમના વર્તારામાં સામે આવ્યું છે. અખાત્રીજનો પવન, હોળીની જાળ, વનસ્પતિ, પશુ અને પક્ષીઓની ચેષ્ટાઓ જોવા મળી હતી તે સ્પષ્ટ ઈશારો કરે છે કે આવનારું વર્ષ પૂરતા પ્રમાણમાં વરસાદનું નહીં હોવાનું માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન પાછતરા વરસાદનું પ્રમાણ અધિક રહેવાની પણ શક્યતાઓ છે. પાછતરા વરસાદને કારણે ચોમાસામાં વરસાદની ઘટ પૂરી કરી શકાય છે. પુષ્ય નક્ષત્રમાં આ વર્ષે સૌથી વધારે વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. સામાન્ય માન્યતા અનુસાર પુષ્ય નક્ષત્રમાં પડેલો વરસાદ પુણ્યકારી માનવામાં આવે છે.