- પાકિસ્તાન જેલમાં બંદીવાન 559 માછીમારોને મુકત કરાવવા રજૂઆત
- જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાંએ ગૃહપ્રધાનનેે રૂબરૂ મળી રજૂઆત કરી
- અમિત શાહે માછીમારો વહેલી તકે માદરે વતન પહોંચે તેવી સાંત્વના આપી
ગીર સોમનાથ: છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારોને વહેલી તકે છુટા કરે અને તેમના પરીવારજનોને અત્રે પડી રહેલી મુશ્કેલીઓનો અંત આવે તે માટે સોરઠના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા નવી દિલ્હી ખાતે ગૃહપ્રધાન અમીત શાહને રૂબરૂ મળી રજૂઆત કરી છે. પાકીસ્તાન જેલમાં બંદીવાન 559 પૈકી 295 માછીમારોની ઓળખવિધિ થઇ ગઇ છે. જેમાંના મોટા ભાગના માછીમારો જૂનાગઢ, ગીર-સોમનાથ જિલ્લાના રહેવાસી છે. જેના પ્રત્યુતરમાં ગૃહપ્રધાને સઘન પ્રયત્ન કરી માછીમાર ભાઇઓ વહેલી તકે માદરે વતન પહોંચે તેવા સારા સમાચાર ટુંક સમયમાં મળે તેવા પ્રયાસ કરવાની સાંત્વના આપી હતી.
શરૂઆતમાં બંન્ને દેશો માછીમારોને વગર શરતે મૂકતા કરતા
ભારતીય જળ સીમામાં માછીમારી કરતા માછીમારોને છેલ્લા ત્રણેક દાયકાથી પાકિસ્તાન સિકયુરીટી એજન્સી કિંમતી ફીશીંગ બોટો સાથે પકડાય જાય છે. શરૂઆતના સમયમાં બંન્ને દેશો માછીમારોને વગર શરતે છોડી મૂકતા હતા. પરંતુ વર્ષ 2001 પછી પકડાયેલા માછીમારોને જ ખાલી મુકત કરાતા જયારે તેમની કિંમતી ફીશીગ બોટ ત્યાં જપ્ત કરીને રાખતા હતા. આ સીલસીલો હજુ પણ ચાલુ હોય અને છેલ્લા 3 વર્ષમાં પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારોને મુકત કરાયેલા નથી.
રાજેશ ચુડાસમા દ્વારા દેશના ગૃહપ્રધાન અમીત શાહની રૂબરૂ મુલાકાત
જે મામલે જૂનાગઢ-ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા દેશના ગૃહપ્રધાન અમીત શાહની રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરી હતી. જેમાં સાંસદએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી વઘુ સમયથી મારા મત વિસ્તાર (જૂનાગઢ-ગીર સોમનાથ)ના રહીશ માછીમારો મોટીસંખ્યામાં પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. જેના કારણે તેમના પરીવારજનો અને બાળકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બંદીવાન માછીમારોને છોડાવવા વિદેશ પ્રધાન સહિતનાને અગાઉ રજૂઆત કરતા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે માછીમારોનો વહેલી તકે પાકિસ્તાન જેલમાંથી છૂટકારો થાય તે બાબતે ઘટતુ કરવા વિનંતી કરી હતી.
295 બંદીવાન માછીમારોની ઓળખવિધિ પૂર્ણ
આ અંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ કે, પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતના 559 માછીમારોને છોડાવવા માટે થોડા સમય પૂર્વે વિદેશ પ્રધાન એસ.જયશંકરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ત્યારે વિદેશ પ્રધાનએ જણાવ્યુ કે, ઈસ્લામાબાદ ખાતેના ભારતીય હાઈકમીશન દ્વારા પાકિસ્તાન સતાવાળાઓ સાથે માછીમારોને મુક્ત કરાવવા વાતચીત કરી રહ્યુ છે. જેથી અત્યાર સુઘીમાં 295 માછીમારોની ઓળખવિધિ પૂર્ણ થઇ ગઈ હોવાથી અને 81 માછીમારોની ઓળખવિધિ પ્રગતિમાં છે. જેથી ટૂંક સમયમાં 376 જેટલા માછીમારોની ઓળખવિધિની કામગીરી પૂર્ણ થઈ જશે. એટલે સત્વરે માછીમારો મુકત થઇ જશે. જો કે, ભારત સરકાર દ્વારા જે માછીમારોની ઓળખવિધિ પુર્ણ થઇ ગઇ છે. તેને મુકત કરવા આગ્રહ કર્યો હોવાનું જણાવ્યુ છે. માછીમારોની મુકિત માટે લોકસભામાં પણ પ્રશ્ન ઉઠાવી રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: Etv Special: પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના સ્વજનો વેઠી રહ્યાં છે અનેક વેદનાઓ...
વડાપ્રધાન મોદીના પ્રયત્નોથી 7 વર્ષમાં 2100 માછીમારો થયા મુકત
સાંસદ રાજેશ ચુડાસમાએ વઘુમાં જણાવેલ કે, વર્ષ 2014 માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા પછી તેમની સુચનાથી સરકારના જવાબદારોએ શરૂ કરેલી વાતચીતના પગલે તે સમયના પાકિસ્તાનના વડાપ્રધાનએ માછીમારોની ફીશીગ બોટોનું રીપેરીંગ કરી છોડી મુકવા આદેશ કરેલ હતો. જેના લીઘે ભારતની પાક.માં કેદ 57 જેટલી બોટો મુકત થયેલ હતી. વડાપ્રધાન મોદીજીની સરકારના સાત વર્ષના શાસર દરમ્યા માછીમારોને છોડાવવા માટે કરેલ સતત પ્રયત્નોના પગલે અત્યાર સુઘીમાં 2100 જેટલા માછીમારો જુદા જુદા સમયે પાકિસ્તાનની જેલમાંથી મુકત થયા છે.