જૂનાગઢઃ રાજ્યભરના વાતાવરણમાં અસામાન્ય પરિવર્તન જોવા મળ્યું છે. ત્યારે કેટલીક જગ્યાએ તો માવઠું પણ પડ્યું છે, જેની શરૂઆત ગઈકાલથી શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલીક જગ્યાએ વાદળછાયા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. આવા પ્રકારનું વાતાવરણ હજી આગામી દિવસો દરમિયાન જોવા મળશે. ત્યારબાદ ફરી એક વખત પ્રચંડ ગરમીની શરૂઆત થશે તેવું વર્તમાન વાતાવરણની પરિસ્થિતિને લઈને જૂનાગઢના હવામાન શાસ્ત્રી ડો. ધીમંત વઘાસીયા જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Rain in Bhavnagar: ક્યાંક ચણા જેવા કરા તો ક્યાંક માવઠું, ખેડૂતો ચિંતામાં ચૂર
દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારઃ છેલ્લા 2 મહિના દરમિયાન દિવસ અને રાત્રિના તાપમાનમાં અસામાન્ય વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની પાછળ પણ વાતાવરણમાં આવેલા બદલાવને માનવામાં આવે છે, ફેબ્રુઆરી મહિનામાં ઠંડીની જગ્યા પર 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું, જેને અસામાન્ય મનાય છે. બીજી તરફ માર્ચ મહિનો કે જેને ઉનાળાનો સમય માનવામાં આવે છે. આવા સમયે તાપમાનમાં ઘટાડો ગરમીના પ્રમાણને દર્શાવવી આપે છે. જે રીતે શિયાળા દરમિયાન ઠંડીના દિવસોમાં ગરમી એ જ રીતે ઉનાળા દરમિયાન ગરમીના દિવસોમાં ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે, જેની પાછળ પણ વાતાવરણમાં આવેલા અસામાન્ય અને અચોક્કસ બદલાવને કારણભૂત માનવામાં આવે છે.
વાતાવરણના પરિવર્તન પાછળ તીકળી જવાબદારઃ વાતાવરણમાં આવેલા અસામાન્ય પરિવર્તનની પાછળ તીકળી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. એક તરફ પશ્ચિમી વિક્ષોપના કારણે વાતાવરણ ડામાડોળ થઈ રહ્યું છે. જેની પાછળ બંગાળની ખાડીમાં ભેજવાળી હવા તેમ જ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે આ પ્રકારની વાતાવરણની અનિશ્ચિતતા ઊભી થાય છે, જેના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદથી લઈને વાદળછાયા વાતાવરણ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આ પરિસ્થિતિ એક અઠવાડિયા બાદ સામાન્યઃ જે રીતે વાતાવરણમાં અસામાન્ય પરિવર્તન આવ્યું છે. આવી પરિસ્થિતિ આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતના વિવિધ જિલ્લા અને વિસ્તારોમાં જોવા મળશે. ત્યારબાદ પશ્ચિમની વિક્ષોપ ભેજવાળી હોવાનું પ્રમાણ અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ઘટાડો થશે, જેને કારણે વાદળો અને કમોસમી વરસાદની શક્યતા બિલકુલ ઓછી થઈ જશે. ત્યારબાદ ફરી આકરી ગરમી પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ હાલ તો એક અઠવાડિયા સુધી વાતાવરણમાં આવેલા પરિવર્તનના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
વર્ષો બાદ માર્ચ મહિનામાં આવી પરિસ્થિતિઃ આ વર્ષે શિયાળાથી શરૂ થઈને અત્યાર સુધી વાતાવરણની અનિશ્ચિતતા સતત વર્તાઈ રહી છે. ઘણા વર્ષો બાદ માર્ચ મહિનામાં આ પ્રકારે કમોસમી વરસાદની સાથે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. સામાન્ય રીતે આ દિવસોને ગરમીના દિવસો માનવામાં આવે છે અને લોકો ગરમીથી અકડાઈ ઉઠતા હોય છે. ત્યારે આ વર્ષે વિપરિત પરિસ્થિતિના કારણે લોકોને હજી આકરી ગરમીનો સામનો કરવો પડ્યો નથી, પરંતુ એક અઠવાડિયા બાદ ફરીથી વાતાવરણમાં બદલાવ જોવા મળે છે અને અંગ દઝાળતી ગરમીનો રાઉન્ડ પણ શરૂ થશે.
આ પણ વાંચોઃ Unseasonal Rain : સુરત સહિત અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી, કેરીના મોરને લઈને ચિંતા
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અલગ વાતાવરણઃ વાતાવરણની જે પ્રતિકૂળતા ઊભી થઈ છે. તેને લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર વિસ્તારમાં વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ સહિત દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સતત જોવા મળશે, પરંતુ આ વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને હાલ તો શક્યતાઓ બિલકુલ નહીંવત્ છે.