જૂનાગઢ: ભારત અને ચાઇના વચ્ચે સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. તણાવ ભર્યા સંબંધોની વચ્ચે અંગ્રેજીના એક દૈનિક વર્તમાનપત્રમાં ભારતના રાજનેતાઓની ચાઇના દ્વારા જાસૂસી કરવામાં આવતી હોવાનો અહેવાલ પ્રગટ થયો છે. જેમાં દેશના 70 મેયરના નામનો પણ સમાવેશ થાય છે. જે પૈકી જૂનાગઢના મેયર ધીરુ ગોહેલની પણ ચાઇના દ્વારા જાસૂસી કરવામાં આવતી હોય તેવો અહેવાલ વર્તમાનપત્રમાં છપાયો છે. આ મામલે જૂનાગઢના મેયરે જણાવ્યું હતું કે આ મામલાની જાણ તેમને માધ્યમો દ્વારા થઇ છે, પરંતુ મારી જાસૂસી કોણ કરી રહ્યું છે, તેનાથી મારી કાર્યપદ્ધતિમાં કોઇ પણ પ્રકારનો ફરક જોવા મળશે નહીં.
દેશના એક અંગ્રેજી દૈનિક વર્તમાનપત્રમાં ચાઇના દ્વારા ભારતના કેટલાક અગ્રણી રાજનેતાઓની જાસૂસી કરવામાં આવી રહી છે, તેવો વિસ્તૃત અહેવાલ પ્રગટ થયો છે. જેને લઈને હવે રાજકારણ ગરમાઈ શકે છે. ભારત અને ચાઇના વચ્ચે ગત કેટલાક સમયથી સરહદના વિવાદને લઈને તણાવ ભર્યા સંબંધો બની રહ્યાં છે. જેમાં દરરોજ નવા ખુલાસાઓ પણ થઈ રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં દેશના એક અગ્રણી દૈનિક વર્તમાનપત્રમાં ભારતના કેટલાક રાજનેતાઓની ચાઇના દ્વારા જાસૂસી કરાવવામાં આવી રહી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
- ચાઇના દ્વારા ભારતના અગ્રણી રાજનેતાઓની જાસૂસી
- જૂનાગઢના મેયરની પણ જાસૂસી
- જૂનાગઢના મેયરે કહ્યું-'મારી જાસૂસી થઈ શકે એવું મારું વ્યક્તિત્વ જ નથી'
રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન, વિપક્ષના નેતા સોનિયા ગાંધી સહિત દેશના અગ્રણી રાજનેતાઓના નામો સામેલ છે. જેમની જાસૂસી કરાવવામાં આવી રહી છે. જેમાં દેશના 70 જેટલા મહાનગરના મેયરનું નામ પણ સામેલ છે.
ગુજરાતમાંથી વડોદરા અને જૂનાગઢના મેયરની પણ ચાઇના દ્વારા જાસૂસી કરાવવામાં આવી રહી છે. તેવો સનસનીખેજ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાને જૂનાગઢના મેયર ધીરુ ગોહેલે જણાવ્યું હતું કે, મારી જાસૂસી થઈ શકે એવું મારું વ્યક્તિત્વ જ નથી. મારી જાસૂસી કોણ કરી રહ્યું છે, તેની મને ચિંતા પણ નથી. હું મારા કામમાં વ્યસ્ત છું અને તે સદાય કરતો રહીશ જાસૂસી જેવી વાતમાં તેઓ પોતાની જાતને જોક્યા વગર જૂનાગઢના મેયર તરીકે જૂનાગઢની પ્રજા માટે જે હિતના કાર્ય હશે, તે ચોક્કસ કરતો રહીશ. તેવો તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો.