જૂનાગઢ: જૂનાગઢ તાલુકાના કાથરોટા ગામની માધ્યમિક શાળાનું બિલ્ડીંગ અતિ જર્જરિત બની રહ્યું છે. જેને કારણે શાળામાં અભ્યાસ કરવો વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ મુશ્કેલ બની રહ્યો છે. 1981 સ્થાપવામાં આવેલી શાળા આજે રખરખાવ સરકાર અને સંચાલક મંડળની ઉદાસીનતાને કારણે આજે ખંઢેર બનવા તરફ આગળ વધી રહી છે. માધ્યમિક શાળામાં ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે જર્જરિત શાળાના મકાનને રીપેરીંગ કરવા માટે સ્થાનિક ગામ લોકો અને અન્ય દાતાઓની મદદથી શાળાઓને રીપેરીંગ કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શિક્ષકો અને શાળાના આચાર્ય કામ કરી રહ્યા છે.
આસપાસ મળે છે અનુદાન: રાજ્ય સરકાર દ્વારા મંડળ સંચાલિત માધ્યમિક શાળાઓને અનુદાન આપવા માટે કેટલાક ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. તે મુજબ કાથરોટા માધ્યમિક શાળાને સરકાર તરફથી એક વર્ષ દરમિયાન 60 હજારની આસપાસ સરકારી અનુદાન મળે છે. વધુમાં તાજેતરમાં જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર લઘુતમ પરિણામ થી ઓછું પરિણામ આવે તો ગ્રાન્ટ મળતી નથી. આવી પરિસ્થિતિમાં ગામડાના શિક્ષણને બચાવવાની સાથે શાળાનું ભવન કઈ રીતે બચી શકે તે માટે શાળાના આચાર્ય અને શિક્ષકો અન્ય દાતાઓના સહારે શાળામાં ભૌતિક સુવિધાઓ ઉભી કરી રહ્યા છે.
શાળાના વિદ્યાર્થીઓની માગ: એક તરફ સમગ્ર દેશમાં ડિજિટલ ઇન્ડિયા નો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે તો બીજી તરફ કાથરોટા માધ્યમિક શાળા મા આજે પણ ડિજિટલ સાધન અને સંસાધનો વિના ગામડાના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળાને આધુનિક સાધન સંસાધનો કોમ્પ્યુટર અને ડિજિટલ બોર્ડની વ્યવસ્થા થાય તેવી માંગ પણ કરી રહ્યા છે. શાળામાં હાલ જે ભૌતિક વ્યવસ્થા છે. તે અન્ય દાતાઓના સહકારથી પાછલા વર્ષો દરમિયાન ઊભી કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન વર્ગખંડોમાં વરસાદી પાણીને કારણે પણ બાળકોને અભ્યાસમાં ખૂબ વિક્ષેપ પડી રહ્યો છે.
આડકતરી રીતે જોડાયેલો: શાળાઓના ભવનોને રીનોવેશન કે નવા બનાવવાને લઈને ઈ ટીવી ભારતે જિલ્લા શિક્ષણ અધિકારી ભાવસિંહ વાઢેર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને તેમાં તેમણે જણાવ્યું હતું કે "રાજ્ય સરકાર અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે અલગથી શાળાના ભવન બનાવવા કે રીનોવેશન કરવા માટે કોઈ અનુદાન આપતી નથી. જે શાળાઓમાં રીપેરીંગ કરવાનું થતું હોય છે. તેવી તમામ શાળાઓ ના સંચાલક મંડળે સમગ્ જવાબદારી નિભાવવાની હોય છે. શાળાનું મકાન અતિ જર્જરિત બની જાય અને તેને ભયજનક જાહેર કરવામાં આવે તો જેતે શાળા સંચાલક મંડળે શાળાના ભવનની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવાની હોય છે. તેમાં પણ શિક્ષણ વિભાગ સીધી કે આડકતરી રીતે જોડાયેલો હોતો નથી."