જૂનાગઢઃ આ વર્ષે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં સોયાબીનની ભરપૂરમાત્રામાં આવક થઈ છે. આ માર્કેટ યાર્ડમાં રવિવારે એક જ દિવસમાં 58,602 બોરીની આવક થઈ છે. આ આવક અત્યાર સુધીની સૌથી વધુ આવક માનવામાં આવી રહી છે.
સોયાબીનના મળે છે વધુ ભાવઃ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના ભાવ વધુ મળતા હોવાથી જૂનાગઢ ઉપરાંત રાજકોટ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ સોયાબીન આ માર્કેટ યાર્ડમાં ઠાલવી રહ્યા છે. જેથી યાર્ડમાં સોયાબીનની ઐતિહાસિક આવક થઈ રહી છે. આ પાકની આટલી બધી આવક થવાથી તેના વેચાણ માટે યાર્ડ દ્વારા ટોકન સિસ્ટમ અમલી બનાવવામાં આવી રહી છે.
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં રવિવારના દિવસે માત્ર 9 કલાકમાં 58,602 બોરી એટલે કે 1,46,505 મણ સોયાબીનની આવક થઈ હતી. જે જૂનાગઢના ઇતિહાસની સૌથી વધુ આવક તરીકે નોંધાઈ છે. હાલ યાર્ડમાં ખેડૂતોને સોયાબીનના સારા બજાર ભાવ મળી રહ્યા છે. જેથી આ પાકના વેચાણ માટે ખેડૂતો જૂનાગઢ માર્કેટ યાર્ડ પસંદ કરે છે...દિવ્યેશ ગજેરા(સચિવ, જૂનાગઢ માર્કેટ યાર્ડ)
સોયાબીન ખૂબ જ ઓછી મહેનતે અને નજીવા ખર્ચે થતો જંગલી પાક છે. સોયાબીનમાં કોઈ પણ પ્રકારના રોગ, જીવાત કે અન્ય ઉપદ્રવ જોવા મળતો નથી તેમજ તેને વિશેષ દેખરેખની પણ જરૂર પડતી નથી. તેથી ખેડૂતો બે ત્રણથી મગફળીને બદલે સોયાબીનની ખેતી કરી રહ્યા છે. દર વર્ષે સોયાબીન નું ઉત્પાદન લેવાથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં ખૂબ જ વિપરીત અસરો પણ થાય છે. તેથી ખેડૂતોએ સતત દર વર્ષે સોયાબીનનો પાક ન ઉગાડવો જોઈએ...ડૉ. જી.આર. ગોહિલ(જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી)