જૂનાગઢઃ ગુજરાતનું ઐતિહાસિક શહેર જૂનાગઢ છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ શહેરના રસ્તા સાંકડા છે અને દિન પ્રતિદિન તેમાં વાહનોની સંખ્યા વધી રહી છે. તેથી નાગરિકોને વાહન ચલાવવામાં અને ખાસ કરીને પાર્ક કરવામાં અગવડ પડી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થાના પ્રય્તનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિકો આગામી 2 દસકાને ધ્યાને રાખીને પાર્કિંગ વ્યવસ્થા ઊભી થાય તેવી માંગણી કરી રહ્યા છે.
નક્કર ઉકેલ જરુરીઃ જૂનાગઢના રસ્તાઓ સાંકડા છે. તેમાંય દિન પ્રતિદિન ટુ વ્હીર્લ્સ અને ફોર વ્હીર્લ્સની સંખ્યા વધી રહી છે. અત્યારે ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સના વેચાણમાં પણ વધારો થતો જોવા મળે છે. હવે ફૂટપાથો સાંકડી પડી રહી છે અને તેમાંય ફેરિયાઓએ અડિંગો જમાવી દીધો છે. આ ફેરિયાઓ માટે વૈકલ્પિક સ્થળે હોકર્સ ઝોન બનાવવામાં આવે તો ફૂટપાથો ખાલી થાય. જેથી થોડી મોકળાશ મળી રહે. બીજું શહેરમાં સિટી બસ વ્યવસ્થા ફરીથી શરુ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા થોડા ઘણા અંશે હળવી બની શકે તેમ છે. અનેક ટુ વ્હીલર્સ મહિલા ચાલકો સિટી બસનો ઉપયોગ કરશે જેનાથી શહેરના માર્ગો પર વાહનોનું ભારણ ઓછું થઈ શકે તેમ છે. જો કે આ વિકલ્પોથી ટ્રાફિક સમસ્યા સદંતર દૂર થઈ જશે તેવું નથી, પણ આંશિક રાહત મળી શકે છે. જો કે જૂનાગઢમાં જો આગામી 2 દાયકાને ધ્યાને રાખીને કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવે તો જ નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે.
છેલ્લા એક દસકા દરમિયાન બેન્કમાંથી ટુ અને ફોર વ્હીલર્સ પર લોન આપવામાં આવી રહી છે. તેથી એક પરિવારમાં 2થી 3 વાહનો થઈ ગયા છે. શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા અત્યારે શહેરમાં વાહનોની સંખ્યા બહુ વધુ છે. એજી સ્કૂલમાં એમનેએમ પડી છે તેમાં પાર્કિંગ થઈ શકે તે માટે અમે જિલ્લા પંચાયત અને કમિશ્નરને પત્ર લખી જગ્યા ભાડે માંગી છે. જૂનાગઢમાં અત્યારે 20થી 25 પાર્કિંગ પ્લેસ છે જે સાંકડા પડી રહ્યા છે. અમે પ્રયત્નો એવા કરીએ છીએ કે નવા પાર્કિંગ ઊભા થાય ...ગીરીશ કોટેચા(ડેપ્યૂટી મેયર, જૂનાગઢ)
જૂનાગઢની સિટી બસ સેવા ફરીથી શરુ કરવામાં આવે તો આ ટ્રાફિક સમસ્યા આંશિક રીતે હળવી બની શકે તેમ છે. તેમજ ફૂટપાથ પર વેપાર કરતા ફેરિયા માટે જો ખાસ વૈકલ્પિક જગ્યા ઊભી કરીવામાં આવે તો ત્યાં તેઓ શાંતિથી વેપાર પણ કરી શકે અને માર્ગો પર વાહનચાલકોને મોકળાશ પણ મળી રહે તેમ છે...જગત અજમેરા(સ્થાનિક, જૂનાગઢ)