જૂનાગઢ: રાજ્યના 200 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 1થી 16 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢના વિસાવદરમાં 22 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા જુનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને પગલે એનડીઆરએફની એક ટીમ જૂનાગઢના કેશોદ નજીક સુતરેજ ગામમાં સ્થાયી કરવામાં આવી છે.
NDRFની ટીમ તૈનાત: હવામાન વિભાગ દ્વારા જુનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. જેને પગલે NDRFની એક ટીમ જુનાગઢ ખાતે મોકલવામાં આવી છે. જેને કેશોદ નજીક સૂત્રજ ગામમાં સ્થાયી કરવામાં આવી છે. સંભવિત અતિ ભારે વરસાદ બાદ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ પૂર અને વરસાદના પાણીમાં ફસાઈ ગયેલા લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાને લઈને 25 સદસ્યોની NDRFની એક ટીમ જુનાગઢ ખાતે તૈનાત કરાઈ છે.
આધુનિક રેસ્ક્યુબોટ સાથે કામગીરી: વિપિન કુમારની અધ્યક્ષતામાં આવેલી એનડીઆરએફની ટીમે કામગીરી શરૂ કરી દીધી છે. સુત્રેજ ગામ નજીક સંભવિત પુર અને અતિ ભારે વરસાદની પરિસ્થિતિ પર કાબુ મેળવવાને લઈને ટીમ દ્વારા પુર્વાભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. ટીમ અતિ આધુનિક સાધનો સાથે બચાવવા રાહત કાર્યમાં ખૂબ જ માહેર માનવામાં આવે છે ત્યારે વિપીન કુમારની અધ્યક્ષતામાં આવેલી ટીમ આધુનિક રેસ્ક્યુબોટ સાથે સમગ્ર વિસ્તારમાં ફરી રહી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. અતિભારે વરસાદ તેમજ પૂરની પરિસ્થિતિમાં કેવી સાવચેતી રાખવી જોઈએ. તેને લઈને લોકોને માહિતગાર પણ કરી રહી છે.
ડેમોમાં નવા નીરની આવક: ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ઓઝત ડેમ છલકાતાં 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. 1.40 મીટરથી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.