જૂનાગઢ/ગીર સોમનાથ: જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પર મેઘરાજા કહેર વર્તાવે તે પ્રકારે વરસી રહ્યા છે. અતિ ભારે અને ધોધમાર કહી શકાય તે પ્રકારે વરસાદનું આગમન થયું છે. જેને કારણે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. તાલુકામાં પાછલા 24 કલાક દરમિયાન 24 ઇંચ ની આસપાસ વરસાદ નોંધાયો છે.

પૂરમાં ફસાયા લોકો: ગીર સોમનાથ જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને સુત્રાપાડા અને વેરાવળ તાલુકામાં અત્યાર સુધીમાં કદાચ સૌથી વધારે 24 કલાકમાં 24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને કારણે વેરાવળ તાલુકાના આસપાસના ગામો અને સુત્રાપાડા તાલુકાના કેટલા ગામોમાં લોકો વરસાદી પાણીમાં ફસાયેલા જોવા મળતા હતા. જિલ્લામાં સતત વધી રહેલા વરસાદ તેમજ પૂરની સ્થિતિને ધ્યાને રાખીને એનડીઆરએફની એક ટીમ દ્વારા વેરાવળ નજીકના ગામડાઓમાં રેસ્ક્યુ અભિયાન શરૂ કર્યું હતું. ખેતરમાં પરિવાર સાથે રહેતા મહિલાઓ વૃદ્ધો બાળકો સહિત ફસાયેલા મોટાભાગના તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢીને સંભવિત પુરના ખતરા સામે રક્ષણ પૂરું પાડ્યું હતું.

સોનરખ નદીમાં ભારે પુર: વરસાદ પડવાને કારણ ઠેર ઠેર પાણીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદને કારણે મોટાભાગની નદીઓ જળાશયો છલકાઈ રહ્યા છે. તેમ છતાં વરસાદનું પ્રમાણ સતત જોવા મળતા વરસાદી પાણી રાજમાર્ગો પરથી જાણે કે નદીના રૂપમાં પ્રવાહીત થયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અતિ ભારે વરસાદને કારણે ગિરનાર પરથી પ્રવાહિત થઈને ભવનાથ તળેટી અને દામોદર કુંડમાં ભળતી સોનરખ નદીમાં અતિ ભારે પુર આવ્યું છે. જેને કારણે પુરના પાણીથી દામોદર કુંડ સતત છલકાઈ રહ્યો છે. આ પ્રકારના નયનરમ્ય દ્રશ્યો ચોમાસા દરમિયાન સામે આવે છે. જેને જોવા માટે પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે.

લોકો ભવ્ય નજારો જોવા ઉમટ્યાં: સોનેક નદીને પવિત્ર ગંગા નદી સાથે પણ સરખાવવામાં આવી છે. જે ગિરનાર પર્વત પરથી પ્રવાહી થઈને દામોદર કુંડ અને અંતે ઓજત નદીમાં ભળે છે. ત્યારે ખૂબ ભારે વરસાદને કારણે સોનરખ નદીમાં આવેલા પૂરને કારણે તેનું પાણી પવિત્ર દામોદર કુંડમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે અહીં પણ ઘસમસતા પુરના પાણીનો પ્રવાહ જોવા માટે લોકો આવતા હોય છે.