જૂનાગઢ : ગીર પૂર્વ અને પશ્ચિમની રેન્જમાં જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. પાછલા કેટલાક દિવસોથી ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં દીપડાઓની દહેશતને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળે છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન લીલીયા, સાવરકુંડલા, રાજુલા અને જામવાળા રેન્જમાં દીપડાએ કરેલા હુમલામાં આઠ જેટલા લોકોના મૃત્યુ થયા છે. જેને લઈને લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજ રીતે સતત વધી રહેલા દીપડાની સંખ્યા ગીર વિસ્તાર માટે ચિંતાનું કારણ બની શકે છે. થોડા વર્ષ પૂર્વે જ દીપડાના હુમલાને કારણે રાજકારણ ગરમાયું હતું. જે તે સમયે તત્કાલીન ધારાસભ્ય હર્ષદ રિબડીયા દીપડાને ઠાર કરવાની લઈને પણ સરકાર સામે માંગ કરી રહ્યા હતા. અંતે વન વિભાગે હિંસક બનેલા બે દીપડાને ઠાર કર્યા હતા, ત્યારે આગામી સમયમાં સતત વધી રહેલા દીપડાના હુમલાને કારણે દીપડાને વન વિભાગ દ્વારા ઠાર કરવા પડશે તેવી વિપરીત પરિસ્થિતિનું સર્જન આજે થયેલું જોવા મળે છે. - જયદીપ ઓડેદરા (પ્રકૃતિ પ્રેમી)
છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલા હુમલા : ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સિંહ અને દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલાની વિગતો માર્ચ મહિનામાં વિધાનસભામાં વન પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવી છે. જેનો આંકડો ચોંકાવનારો છે. મૃત્યુના આંકડાઓ દર્શાવે છે કે, ગીર પૂર્વ અને પશ્ચિમમાં દીપડાઓના હુમલાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં સિંહોના હુમલાને કારણે વર્ષ 2021માં 02 અને 2022માં 05 જેટલા કિસ્સાઓમાં લોકોના મૃત્યુ થયા છે. તેવી જ રીતે વર્ષ 2021 અને 2022માં કુલ 19 લોકો હુમલાથી ઈજાગ્રસ્ત થયા હોવાનું સરકારે સ્વીકાર કરેલો છે.
ઘણા વર્ષોથી ગીર પૂર્વ અને પશ્ચિમનો જંગલ વિસ્તાર વનરાજીથી ગીચ થયેલો જોવા મળે છે. જેને કારણે વન્ય પ્રાણીઓને શિકાર કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. જેને કારણે સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ જંગલ બહાર નીકળી જાય છે. જેથી જંગલને પાંખુ કરવામાં આવે તો શિકારનો વિસ્તાર વધી શકે છે. સિંહ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓ જંગલ વિસ્તારમાં પોતાની મેળે સુરક્ષિત થશે. જેથી માનવો પર હુમલાની ઘટનામાં મોટો ઘટાડો થશે. ખેડૂતો, ખેત મજૂરો અને અન્ય ગામ લોકો દ્વારા માંસાહારનુ સેવન કરવામાં આવે છે. તેને કારણે પણ દીપડા સૌથી વધારે આકર્ષિત થાય છે. માસાહારના સેવન બાદ તેના નીકળેલા કચરાને યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તો દીપડાઓ માસાહરની સુગંધને કારણે આકર્ષિત થાય છે. જેમાં ઘટાડો થશે જેની સીધી અસર હુમલાઓને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. - જે.એમ. ધાણીધારીયા (પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર)
દીપડાઓ બન્યા વધુ ઘાતક : ગીર પૂર્વ અને પશ્ચિમ વન વિભાગની રેન્જમાં સિંહ કરતા દિપડાઓ સૌથી વધારે ઘાતક બનેલા જોવા મળે છે. વર્ષ 2021માં 05 અને 2022માં 12 લોકોના શિકાર દીપડા દ્વારા કરવામાં આવ્યા છે. તેવી જ રીતે વર્ષ 2021માં 105 અને 2022માં દીપડાએ કરેલા હુમલામાં 84 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બે વર્ષમાં મળીને કુલ દીપડાના હુમલામાં 189 જેટલા ગામ, લોકો, ખેત મજૂરો, ખેડુતો અને સામાન્ય લોકોને દીપડા દ્વારા ઈજા પહોંચાડવામાં આવી છે.