જૂનાગઢઃ જૂનાગઢમાં મિસ બ્લાઇન્ડ ઇવેન્ટ યોજાઈ. અંધ યુવતીઓ માટે મિસ જુનાગઢ ઈવેન્ટ નું આયોજન કરાયું હતું. જેમાં જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારની 31 જેટલી અંધ યુવતીઓએ ભાગ લીધો હતો. આંખે સંપૂર્ણ પણે અંધ એવી આ 31 યુવતીઓ જાણે કે, વિશ્વના કોઈ મોટા ફેશન ઇવેન્ટ પર પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરતી હોય તે પ્રકારે રેમ્પ વોક કર્યું હતું.
31 યુવતીઓએ ભાગ લીધોઃ આંખે સંપૂર્ણપણે અંધ હોવા છતાં પણ મિસ જુનાગઢ સ્પર્ધામાં ભાગ લેનારી તમામ યુવતીઓએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરીને મન મોહી લીધા હતા. જૂનાગઢમાં ઇતિહાસમાં અને સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત એક સાથે 31 યુવતીઓનો મિસ બ્લાઇન્ડ ઇવેન્ટ સ્પર્ધા નું આયોજન કરાયું હતું. જેને ખૂબ મોટી સફળતા મળી છે. ઇવેન્ટના આયોજકો આગામી દિવસો મા અંધ યુવતીઓ માટે અમદાવાદ બરોડા મુંબઈ જેવા મહાનગરોમાં પણ આ જ પ્રકારનું ફેશન શો નું આયોજન કરીને અંધ યુવતીઓને ફેશનના માધ્યમ થી આંખો મળે તે માટેનો પ્રયાસ કરવા માટે પ્રત્રિબધ્ધતા દર્શાવી હતી.
જૂનાગઢના લોકોએ હાજરી આપીઃ આજના મિસ બ્લાઇન્ડ ઇવેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ અંધ યુવતીઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેમના જુસ્સામાં વધારો કરવા માટે જુનાગઢના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે યુવતીઓ રેમ્પ વોક પર એક એક ડગલું આગળ વધતી હતી તેના પ્રત્યેક ડગ ને ઉપસ્થિત લોકોએ ખૂબ જ ઉમળકા ભેર આવકારીને જે જુસ્સાથી યુવતીઓ રેમ્પ વોક કરતી હતી. તેને બિરદાવ્યો હતો. જુનાગઢ વાસીઓનો આ ઉમળકો મિસ બ્લાઇન્ડ જુનાગઢ ઇવેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ 31 યુવતીઓના જુસ્સાને જાણે કે ગિરનારી બુલંદી આપતી હોય તે પ્રકારે અંધ યુવતીઓ ખૂબ જ ખુમારી ભેર માત્ર અવાજને આંખો બનાવીને રેમ્પ પર વોક કરતી જોવા મળતી હતી.
અંધ યુવતીઓએ આપ્યો પ્રતિભાવઃ મિસ બ્લાઈન્ડ જુનાગઢ ઇવેન્ટમાં ભાગ લેતી યુવતીએ etv ભારત સાથે તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. ઇવેન્ટમાં ભાગ લેનાર યુવતીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું સ્ટેજ અમને મળશે તેનો વિચાર પણ આવ્યો ન હતો. આજે આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. અંધ યુવતીઓને ફેશનની દુનિયામાં જે ડગ માંડવા માટે તક મળી છે. તેના માટે તે આયોજકોનો ખૂબ જ હૃદયથી આભાર માને છે અને જણાવે છે કે, આ જ પ્રકારના આયોજનો ખાસ કરીને અંધ યુક્તિ માટે થવા જોઈએ. તેઓ ભલે આંખેથી જોઈ શકતા નથી. પરંતુ સંગીત અને ઉમળકા ભેર બોલવામાં આવતા શબ્દો રેમ્પવોક કરતી વખતે તેમની આંખો બની જાય છે. તેના માધ્યમથી જ આજનું આ સુંદર આયોજન સફળતામાં પરિણમ્યુ છે.
આયોજકો નો વિચાર આજે સફળતાના સૂત્રમાં બંધાયોઃ જૂનાગઢની રુદ્રા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક માયાબેન જોષી એ સૌપ્રથમ વખત અંધ યુવતીઓના મિસ ઇવેન્ટ નું આયોજન કરવું તે વિચાર આજે ફળીભૂત થયો છે. ઇવેન્ટમાં ભાગ લીધેલી તમામ 31 અંધ યુવતીઓએ જે રીતે ખૂબ મહેનત કરીને મુશ્કેલ કહી શકાય તેવી સફળતા આજે તેમને અપાવી છે. આજના આયોજનની સફળતા આગામી દિવસોમાં આ અંધ યુવતીને ગુજરાત સહિત અન્ય રાજ્યોના મહાનગરોમાં પણ પોતાની ક્ષમતાઓને ઉજાગર કરવાની તક પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આંખે ન જોઈ શકતી આ યુવતીઓને તૈયારી કરાવવાની જ સાથે રેમ્પવોક પર કઈ રીતે ચાલવું તે આજથી એક મહિના પૂર્વે મુશ્કેલ લાગતું હતું. પરંતુ આજે આ યુવતીઓએ ઉત્સાહ જનક વાતાવરણની વચ્ચે જાણે કે લોકોના અવાજને આંખો બનાવીને રેમ્પ પર ચાલતી જોવા મળી જે અનુભવ આજે વિશ્વના શ્રેષ્ઠ અનુભવ સાથે સરખાવી શકાય તેમ છે.