જૂનાગઢ : શહેર પોલીસે ગઈકાલે શહેરમાંથી મેફેડ્રોન જેવા નશાકારક પદાર્થોનું સેવન કરતા ત્રણ વિદ્યાર્થીઓને પકડી પાડ્યા છે. જેને લઈને જૂનાગઢ શહેરમાં હડકંપ મચી જવા પામ્યો છે. અત્યાર સુધી કેટલાક કિસ્સામાં નશાકારક પદાર્થ અને સીરપ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પરંતુ ગઈકાલનો કિસ્સો પોલીસ માટે પણ ખૂબ જ ચિંતાજનક છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ કોલેજના વિદ્યાર્થીઓ છે. જેથી વિદ્યાર્થીઓમાં નશાનું દુષણ પ્રવેશી ચૂક્યું છે તેને લઈને સભ્ય સમાજ પણ ખૂબ ચિંતિત બન્યો છે.
નશારુપી દાનવ : જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત ગઈકાલે ત્રણ વિદ્યાર્થીઓ ડ્રગ્સના બંધાણી હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિમાં જૂનાગઢની સરકારી બહાઉદ્દીન કોલેજ દ્વારા પણ વિદ્યાર્થીઓ પર સતત મોનિટરિંગ અને કાઉન્સિલિંગ કરવાનું નિર્ણય કર્યો છે. જેથી કરીને નશો કરતા વિદ્યાર્થીઓને અલગ તારવી શકાય અને તેમનું કાઉન્સિલીગ કરી શકાય. આવા યુવાનોને નશાની દુનિયાથી મુક્ત રાખી શકાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવશે.
પ્રથમ વખત જૂનાગઢ શહેરમાંથી વિદ્યાર્થી નશાના બંધાણી હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ જગત માટે પણ આ મનોમંથનનો મુદ્દો બની રહેશે. ત્યારે આવતીકાલથી જ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં કોઈ પણ વિદ્યાર્થી નશાનો બંધાણી છે કે નહીં તેનું મોનીટરીંગ કરવામાં આવશે. -- પી. વી. બારસિયા (પ્રિન્સિપાલ, બહાઉદ્દીન કોલેજ)
સરકારી કોલેજનો મહત્વપૂર્ણ નિર્ણય : જૂનાગઢની બહાઉદ્દીન સરકારી કોલેજના પ્રિન્સિપાલ પી. વી. બારસિયા દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હવે કોલેજમાં વિદ્યાર્થીઓનું મોનીટરીંગ કરવામાં આવશે. ઉપરાંત તેમનું કાઉન્સિલીગ શરૂ કરી દેવામાં આવશે. જેથી કરીને યુવાન વયે કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સાથે તેના પરિવારનું કોઈ પણ પ્રકારે અહિત ન થાય. તે માટેની કામગીરી અમારી કોલેજ દ્વારા કામગીરી કરવામાં આવશે.
કોલેજમાં થશે મોનેટરીંગ : જૂનાગઢમાં પ્રથમ વખત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થના બંધાણી છે તેવું સામે આવ્યું છે. આ શિક્ષણ જગત માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. જૂનાગઢ શહેર અને આસપાસમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સ્થાપિત છે. ત્યારે વિદ્યાર્થીઓમાં આ પ્રકારનું નશાનું દૂષણ હવે જૂનાગઢ માટે એક ચિંતાનો વિષય બન્યો છે. હાલ માત્ર ત્રણ વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થના બંધાણી હોવાનું સામે આવ્યું છે. પરંતુ નશાનું આ દુષણ ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પગ પેસારો કરી લેશે તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે. જેને ધ્યાને રાખીને જૂનાગઢની સરકારી બહાઉદ્દીન કોલેજ દ્વારા અહીં અભ્યાસ કરતા 1700 કરતાં વધારે વિદ્યાર્થીઓ પર મોનીટરીંગ કરવામાં આવશે. ઉપરાંત જરૂર પડે તો કાઉન્સિલિંગ શરૂ કરવાનો નિર્ણય પણ કર્યો છે.