જૂનાગઢ: વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જેને લઇને પ્રદેશ કોંગ્રેસ સમિતિ સત્ય શોધન સમિતિ દ્વારા બળવાખોર નેતાઓની તપાસ શરૂ કરાઈ હતી. જેમાં જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, કોંગ્રેસ મહિલા સેવાદળના પ્રમુખ પ્રગતિ આહીર, પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી અને દલિત યુવાન નેતા રાવણ પરમારને કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ છ વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે.
આ પણ વાંચો કોંગ્રેસ સાંસદ ચૌધરી સંતોખસિંહનું નિધન, ભારત જોડો યાત્રાને પંજાબમાં રોકી દેવાઈ
બળવાખોરોને કર્યા બરતરફ: રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ તેના પરિણામની અસર કોંગ્રેસ પક્ષને પર હજુ યથાવત છે. હારની પછડાટ ખાધા બાદ હવે કોંગ્રેસ એક્શન મોડ પર છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ચાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવામાં અસફળ રહ્યા હતા. આ ચૂંટણીમાં જુનાગઢ અને કેશોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરીને કોંગ્રેસ પક્ષની ચૂંટણી લડી રહ્યા હતા.
પ્રચાર કામગીરી: ઉમેદવારોની વિરુદ્ધમાં પ્રચાર અને કામગીરી કરતા કેશોદ અને જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ભીખાભાઈ જોશી અને હીરાભાઈ જોટવાનો પરાજય થયો હતો. બાદમાં કોંગ્રેસ મોવડી મંડળે સત્ય શોધન સમિતિની રચના કરી. પરાજિત ઉમેદવારો સહિત કાર્યકરો પાસેથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતા અને કાર્યકરોનો રિપોર્ટ માગ્યો હતો. જેમાં આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સહિત 4 નેતાઓ અને કાર્યકરોને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કર્યા છે.
આ પણ વાંચો જૂનાગઢની મહિલા શ્વાનના ગલુડિયાની કરી રહી છે સેવા, રાત્રે આહાર લઈને નીકળે છે ઘરની બહાર
પ્રદેશ કોંગ્રેસ મહિલા સેવાદળ: પ્રદેશ કોંગ્રેસ મહિલા સેવાદળના પ્રમુખ અને યુવાન નેતા તેમજ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીરને પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કર્યા છે. પ્રગતિ આહીર જુનાગઢ જિલ્લાની કેશોદ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માગતા હતા. તેઓ ચૂંટણીના સમય દરમિયાન કેશોદ વિધાનસભા બેઠક પર અનેકવાર સભાઓ અને કાર્યકરોને રૂબરૂ મળીને કોંગ્રેસ પક્ષનો પ્રચાર કરતા હતા. પરંતુ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર હીરાભાઈ જોટવાનો પરાજય થયો હતો. સત્યશોધન સમિતિમાં પ્રગતિ આહિરે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા નહીં પરંતુ તેને હરાવવા માટે પ્રચાર કર્યો હોવાનું સામે આવતા કોંગ્રેસ મોવડી મંડળે આજે પ્રગતિ આહીરને છ વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે.
કોંગ્રેસમાંથી બરતરફ: જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત પટેલ પાછલા બે વર્ષથી કામ કરી રહ્યા હતા. પરંતુ સતત વિવાદમાં જોવા મળતા કોંગ્રેસના શહેર પ્રમુખ અમિત પટેલ ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ અન્ય પક્ષના ઉમેદવારોને મદદ થાય તે રીતે પ્રચાર કરી રહ્યા હતા. અમિત પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં કેટલાક વિવાદો પણ સામે આવ્યા હતા. જેને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સતત નકારાત્મક ચર્ચામાં જોવા મળતા હતા ત્યારબાદ આવેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જુનાગઢ કોંગ્રેસના ઉમેદવાર ભીખા જોશીની વિરુદ્ધમાં ખુલીને કામ કરતા હતા. જેની ફરિયાદ પ્રદેશના અગ્રણીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદને પગલે અમિત પટેલને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસની બહાર: કોંગ્રેસે જે ચાર નેતા અને કાર્યકરોને પક્ષમાંથી બરતરફ કર્યા છે. તેમાં પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી અને પૂર્વ મેયર લાખા પરમારના પુત્ર રાવણ પરમારનો સમાવેશ થાય છે. રાજુ સોલંકીએ ધારાસભ્ય ભીખા જોશી વિરુદ્ધ ખુલીને કામ કર્યું હોવાની વિગતો સામે આવી હતી. અગાઉ પણ તેઓ જૂનાગઢ કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર લાખા પરમાર સામે એનસીપીના ઉમેદવાર બનીને ચૂંટણી લડ્યા હતા.
વિજય થયો: ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો અને રાજુ સોલંકી અને લાખા પરમારનો પરાજય થયો હતો. તો બીજી તરફ પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણ પરમાર પર પણ કોંગ્રેસ પક્ષની વિચારધારા અને મતદાર ગણાતા દલિત સમુદાયના મતદારોને પક્ષની વિરુદ્ધમાં મતદાન કરાવ્યું હોવાની ફરિયાદ સ્થાનિક કક્ષાએથી પ્રદેશના નેતાઓને કરવામાં આવી હતી. જેમાં આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રગતિ આહીર અને અમિત પટેલની સાથે બે કાર્યકરો રાજુ સોલંકી અને રાવણ પરમારને આગામી છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.