- વન મેન એનજીઓ ઓન્લી ઇન્ડિયન જોવા મળ્યા સાન્તાક્લોઝના રૂપમાં
- સાન્તાક્લોઝનું રૂપ ધારણ કરીને લોકોને પહેરાવ્યા માસ્ક
- કોરોના સંક્રમણ પ્રત્યે બેદરકારી નહીં દાખવીને કોરોનાને હરાવવા માટે કરી હાંકલ
જૂનાગઢ: જૂનાગઢમાં રહીને વન મેન એનજીઓ ચલાવતા ઓન્લી ઇન્ડિયન વર્ષોથી રાષ્ટ્રીય તહેવારોને લઈને રાષ્ટ્રમાં લોકો જાગૃત બને અને કુરિવાજો તેમજ બદીઓથી મુક્ત થાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવતા હોય છે. ત્યારે ક્રિસમસના મહાપર્વને લઇને ઓન્લી ઇન્ડિયન દ્વારા સાન્તાક્લોઝનું રૂપ ધારણ કરવામાં આવ્યું હતું અને જૂનાગઢના જાહેર માર્ગો પર ફરી રહેલા લોકોને કોરોના સંક્રમણ અંગે માહિતી આપીને માસ્ક પહેરવા અંગે લોકોને જાગૃત કર્યા હતા.જે લોકો માસ્ક વગર જોવા મળતા હતા તે લોકોને તેમણે માસ્કનું વિતરણ પણ કર્યું હતું.
ઓન્લી ઇન્ડિયન રાષ્ટ્રીય તહેવારોમાં જનજાગૃતિ ફેલાય તે માટે અનેક વખત કરી રહ્યા છે કાર્યક્રમો
ઓન્લી ઈન્ડિયન રાષ્ટ્રીય તહેવારો તેમજ ધાર્મિક તહેવારોને ધ્યાને રાખીને લોકોને જનજાગૃતિ કરવાનું કામ પાછલા કેટલાક વર્ષોથી કરી રહ્યા છે. ત્યારે તહેવારના દિવસોમાં જાહેર રજા હોય છે અને લોકો પુષ્કળ પ્રમાણમાં જે તે ધાર્મિક સ્થળ અને બજારમાં મળી આવે છે. જેને ધ્યાને રાખીને લોકો સુધી માહિતી પહોંચાડવી ખૂબ સરળ અને સહેલી બની જતી હોય છે. ત્યારે ઓન્લી ઇન્ડિયન એ ક્રિસમસના તહેવારને લઈને સાન્તાક્લોઝનું રૂપ ધારણ કર્યું હતું. આ સાથે માસ્ક વગર ફરતા લોકોને માસ્ક પહેરાવીને માસ્કની અનિવાર્યતા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટેનો સંદેશો પણ ફેલાવ્યો હતો.