સોમવારે રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડ આગામી બે દિવસ સુધી વેપારીઓ દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારીઓ અને સત્તાધીશો દ્વારા આપવામાં આવેલા યાર્ડના બંધના એલાનમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો હતો. સોમવારે સવારે માર્કેટિંગ યાર્ડનું કામકાજ દૈનિક ધોરણે રાબેતા મુજબ શરૂ થયું હતું. જેમાં વેપારીઓ અને ખેડૂતોએ જોડાઈને કૃષિ જણસોના સોદાઓ કર્યા હતા.
ગત બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા માર્કેટીંગ યાર્ડોમાં રોકડના વ્યવહારો ઓછા થાય તેમજ એક કરોડ કરતા વધુના વ્યવહારો પર બે ટકા ટ્રાન્જેક્શન DTS લાગુ કરવામાં આવ્યો હતો. જેને લઇને રાજ્યના APMCના વેપારીઓએ સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને ખેડૂતો અને વેપારીઓ વિરુદ્ધ પગલું ગણાવીને બે દિવસ રાજ્યના તમામ માર્કેટીંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ સૂચિત બંધમાં નહીં જોડાવવાનો નિર્ણય કરીને કૃષિ જણસોના સોદાઓ કર્યા હતા.