જૂનાગઢ : જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવસિર્ટીનો આજે 19મો પદવીદાન સમારોહ રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલપતિ ડો આચાર્ય દેવવ્રતની હાજરીમાં પૂર્ણ થયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ ક્ષેત્રના શિક્ષણમાં વિશેષ યોગ્યતા સાથે પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી છે તેવા તમામ વિદ્યાર્થીઓને આજે વિવિધ મેડલોથી નવાજીને કૃષિ ક્ષેત્રના શિક્ષણને વધુ આગળ લઈ જવા માટે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો
19મો પદવીદાન સમારોહ : જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો આજે 19મો પદવીદાન સમારોહ રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આચાર્ય દેવવ્રતની હાજરીમાં યોજાયો હતો જેમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કરેલા 628 જેટલા વિદ્યાર્થીઓને આજે તેમની વિશેષ યોગ્યતાને બિરદાવીને તેમને વિવિધ મેડલો એનાયત કરાયા હતાં.
મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ : જેમાં કમલ ચારણ અને તૃપ્તિ બારડે સૌથી વધુ 16 અને 04 સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કરીને કૃષિ ક્ષેત્રના શિક્ષણને ચાર ચાંદ લગાવ્યા હતાં.
પ્રાકૃતિક ખેતી અનિવાર્ય : કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી એકમાત્ર અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. રાસાયણિક ખેતીથી જમીનની ગુણવત્તા દૂર થાય છે સાથે સાથે ઝેરી રસાયણો જંતુનાશકો અને ખાતરોને કારણે લોકોમાં અનેક નવા રોગો જન્મ લઈ રહ્યા છે કેન્સરનું પ્રમાણ પણ ખૂબ ઊંચું જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં હવે ભારતનો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તો જમીનના આરોગ્યની સાથે પ્રત્યેક વ્યક્તિની શારીરિક તંદુરસ્તી વધશે અને સાથે સાથે સતત વધી રહેલા રોગને નાથવા માટે પણ પ્રાકૃતિક ખેતી ખૂબ જ મહત્વની સાબિત થશે.
વિદ્યાર્થીઓએ આપ્યો પ્રતિભાવ : આજે પદવી પ્રાપ્ત કરી ચૂકેલા વિદ્યાર્થીઓ કમલ ચારણ અને તૃપ્તિ બારડે મેડલ મેળવ્યા બાદ તેમનો પ્રતિભાવ આપતા વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી એ તમામ સમસ્યાનું નિરાકરણ આપે છે. આજના સમયમાં રાસાયણિક ખેતી વધી રહી છે. પરંતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે તેમણે પ્રાપ્ત કરેલા કૃષિ શિક્ષણને તેઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ ખેતર સુધી તેનો અમલ થાય તે માટેના પ્રયાસો કરશે.