જૂનાગઢઃ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં આજે આખો દેશ અને સમગ્ર ભારતીય ગળાડૂબ છે ત્યારે જૂનાગઢમાં પણ અનેક સ્થળોએ આ રાષ્ટ્રીય પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. જૂનાગઢના પ્રખ્યાત એવા રૂદ્રેશ્વર જાગીર આશ્રમમાં સાધુ સંતો, જૈન સમુદાયના અગ્રણીઓ અને કિન્નર સમાજના સભ્યોએ સાથે મળીને આ રાષ્ટ્રીય પર્વને પૂરા જોશ અને ઉમંગથી ઉજવ્યું હતું. જેમાં રાષ્ટ્ર ભાવનાના ખૂબ જ ઉજાગર થઈ હતી.
જાજરમાન ઉજવણીઃ આજના સ્વતંત્ર પર્વના 77મા વર્ષની વિશેષ ઉજવણીને લઈને જૈન સમાજના મહાસતીજી અને મુનિએ પણ હાથમાં તિરંગા ધ્વજને રાખીને રાષ્ટ્રીય ભાવનાની સાથે સર્વ ધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ખાસ બની હોવાના મુખ્ય કારણોમાં મોટી સંખ્યામાં હાજર ભકતો, સાધુ સંતો અને કિન્નર સમાજના સભ્યોની દેશભક્તિનો સમાવેશ થાય છે. દરેક વર્ગના સભ્ય જો સાચી દેશદાઝ હૃદયમાં રાખીને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં જોડાય તો આ ઉજવણી ખૂબ જ જાજરમાન બને તેમાં કોઈ બેમત નથી.
પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રની ભાવના પ્રથમ હોવી જોઈએ, કારણ કે આ તિરંગો છે તો શાસન છે અને શાસન છે તો બધા જ ધર્મો સુરક્ષિત છે. બધાએ રાષ્ટ્ર પ્રત્યે અહોભાવની લાગણી રાખવી જોઈએ. નમ્ર મૂનિ મહારાજ (રાષ્ટ્રીય સંત)
શુભકામના સાથે આશીર્વાદઃ આજે ભવનાથમાં આયોજિત થયેલા સ્વતંત્ર પર્વના કાર્યક્રમોમાં જૈન સમાજના નમ્ર મૂનિએ પણ પોતાની સ્વયંમ ઉપસ્થિતિ રાખીને રાષ્ટ્રની જે સર્વ ધર્મ સમભાવની ભાવના છે તેને સામૂહિક વેગ મળે તે માટે દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. જેમાં ભવનાથ મંડળના સાધુ સંતોની સાથે કિન્નર સમાજના સાધુ સંતોએ પણ ખાસ અને વિશેષ હાજર રહીને આ ઉજવણીને સાર્થક કરી હતી.