વલસાડઃ જિલ્લામાં ધરમપુર તાલુકાના તિસ્કરી (તલાટ) ખાતે 31 લાખ રૂદ્રાક્ષથી તૈયાર કરાયેલું શિવલિંગ શિવભક્તો માટે ખૂલ્લું મુકાયું છે. શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં રૂદ્રાક્ષ શિવલિંગના પેટન્ટ હોલ્ડર અને 4 વખત લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવનારા બટુક વ્યાસે આ વિશાળ શિવલિંગ તૈયાર કરાવ્યું છે.
આ પણ વાંચોઃ Surat news: સુરતનું અનોખું મંદિર, ઉધરસ મટાડવા માટે ભક્તો રાખે છે બાધા
31 લાખ રૂદ્રાક્ષ સવા 31 ફૂટ ઊંચા વિરાટ શિવલિંગનું નિર્માણઃ 31 લાખ રૂદ્રાક્ષ અને સવા 31 ફુટ ઊંચા આ વિરાટ રૂદ્રાક્ષ-શિવલિંગના આયોજન સાથે અહીં શિવકથા, સમૂહલગ્ન, રક્તદાન કેમ્પ, મહાપ્રસાદ જેવા આયોજન કરવામાં આવ્યા છે, જેમાં મહાશિવરાત્રિ સુધી શિવભક્તોનો મહેરામણ ઉમટવાનો છે.
શિવજીના જળાભિષેકનું શાસ્ત્રોમાં અનેકઘણું મહત્વઃ આ અદભૂત અયોજન અંગે રૂદ્રાક્ષ શિવલિંગના પાયોનિયર ગણાતા બટુક વ્યાસે જણાવ્યું હતું કે, શિવલિંગના અભિષેકનું હંમેશા વિશેષ મહત્વ રહ્યું છે. અહીં ગુજરાતના અલગઅલગ જિલ્લામાં અને દેશના રાજ્યમાં રૂદ્રાક્ષમાંથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શિવલિંગ શિવભક્તોને જળાભિષેકનો લ્હાવો પૂરો પાડે છે. તો આ વખતે ધરમપુરના તિસ્કરી ગામમાં સવા 31 લાખ રૂદ્રાક્ષમાંથી 31 ફૂટ ઊંચું શિવલિંગનું નિર્માણ કર્યું છે. મહાશિવરાત્રિ સુધી આ મહાદેવના શિવલિંગના લોકો દર્શન કરી શકશે. તેમ જ અહીં મહારૂદ્ર યજ્ઞમાં શિવકથા, રક્તદાન કેમ્પ, સમૂહલગ્નના ત્રિવેણી આયોજન કરાયા છે.
15 ફેબ્રુઆરીએ રક્તદાન અને સમૂહલગ્ન યોજાશેઃ સામાજિક અનુદાન તરીકે સમાજને સારો સંદેશ આપવા 15મીએ રક્તદાન કેમ્પ, સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જ શિવ મહિમન્સ્ત્રોતના પાઠનું આયોજન છે. જ્યારે ભક્તો માટે દરરોજ સાંજે ભંડારાની નગરજનો તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો અહીં એક લોટો જળ હર હર મહાદેવ પર ચઢાવવા સાથે આ ત્રિવેણી પ્રસંગનો લાભ લઈ શકશે.
4 વખત લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂક્યા છેઃ બટુક વ્યાસે આ રૂદ્રાક્ષ શિવલિંગ નિર્માણની પેટન્ટ મેળવી છે. તેમ જ 4 વખત લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે આ રૂદ્રાક્ષ શિવલિંગની પેટન્ટ મેળવવા અંગે અને લિમ્કા બુક ઑફ રેકોર્ડસમાં સ્થાન મેળવવા અંગે તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2008માં રૂદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું હતું. ત્યારે જિલ્લાના સ્થાનિક પત્રકારોએ તેને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. તેથી ખ્યાલ આવ્યો કે, વિશ્વમાં એટલું ઊંચું અને રૂદ્રાક્ષમાંથી ક્યારેય કોઈએ શિવલિંગ બનાવ્યું નથી. એટલે લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. ત્યારબાદ ફરી ઊંચાઈમાં 21 ફૂટ, 31 ફૂટ અને 33 ફૂટના શિવલિંગની સ્થાપના કરવા બદલ એવોર્ડ મળતા રહ્યા છે.
સર્જક તરીકે હમેંશા લોકો તેમને યાદ કરે તે હેતુથી પેટન્ટ કરાવ્યુંઃ જ્યારે પેટન્ટ કરાવવા પાછળનો ઉદેશ્ય એટલો જ છે કે, જ્યારે જ્યારે રૂદ્રાક્ષ શિવલિંગની વાત આવે ત્યારે બૌદ્ધિક સંપદા મુજબ તેમનું નામ બની રહે એ પરંપરાના સર્જક તરીકે લોકો તેને હરહંમેશ યાદ કરતા રહે. સરકારના પ્રમાણિત બની આ પરંપરાના સંશોધક ઑથોરાઈઝ્ડ રહી શકે. રૂદ્રાક્ષના શિવલિંગ અંગે જ્યારે પણ ઇતિહાસ લખાય ત્યારે ધરમપુરનું નામ અને તેમનું નામ રૂદ્રાક્ષ શિવલિંગના પાયોનિયર તરીકે તેમાં સુવર્ણ અક્ષરે અંકિત થાય એ એક જ ઉદેશ્ય છે. જે માટે 2 વર્ષ પહેલા આ રૂદ્રાક્ષ શિવલિંગના પેટન્ટ કરાવી પેટન્ટ હોલ્ડર બન્યા છે.
વિરાટ શિવલિંગ નું 12 ફેબ્રુઆરીએ અનાવરણ કરાયુંઃ 12મીએ આ વિરાટ શિવલિંગ ભક્તોના દર્શન માટે ખૂલ્લું મુકાયું હતું. ઉપદંડક વિજય પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભવ્ય પોથિયાત્રા બાદ 31 લાખ રૂદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા 31 ફૂટ ઉંચા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શન-અભિષેકનો તમામે લ્હાવો લીધો હતો. સાથે જ જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, 11 કૂંડી હોમાત્મક મહારૂદ્ર યજ્ઞ, 15 ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન, મહાપ્રસાદ, ભંડારાનું આયોજનનો શુભારંભ થયો હતો.
31 લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે 31 લાખ શિવલિંગાર્ચન થાયઃ આ પ્રસંગે ભાગવતાચાર્ય પંકજ વ્યાસે જણાવ્યું હતું કે, પ્રત્યેક રૂદ્રાક્ષ સ્વયં શિવ છે. 31 લાખ રૂદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે. એટલે 31 લાખ શિવલિંગાર્ચન થાય. આમ, લાખો શિવલિંગનો અભિષેક મહાશિવરાત્રિના પવિત્ર કાળમાં કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થશે. મહાશિવરાત્રિના અવસરે આ ભવ્ય અને દિવ્ય રૂદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેકનો લાભ લેવા આહ્વાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રૂદ્રાક્ષ શિવલિંગ સહિતના તમામ આયોજન માટે મોટો ખર્ચ થાય છે, જે ટ્રસ્ટ દ્વારા મેળવતા દાનમાંથી કરવામાં આવે છે. આના માટે દાનપેટીઓ પણ મુકવામાં આવી છે.