જૂનાગઢઃ શહેર કોંગ્રેસ દ્વારા ખખડધજ માર્ગને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દિવંગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનનો મલાજો કોંગ્રેસના કાર્યકરો ચૂક્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં તમામ પ્રકારના સાર્વજનિક અને જાહેર કાર્યક્રમો નહીં યોજવાની પરંપરા રાષ્ટ્રમાં ચાલતી આવે છે. જેને આજે ખુદ કોંગ્રેસના કાર્યકરોએ જ તોડીને બેન્ડવાજા સાથે શહેરમાં રેલીનું આયોજન કર્યું હતું
જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ખખડધજ માર્ગોને લઈને પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જોકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનનો મલાજો રાખ્યા વિના શહેર કોંગ્રેસ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું તેને આગામી સાત દિવસ સુધી મુલતવી રાખવાની જરૂર હતી. પરંતુ કોંગી કાર્યકરોએ મંગળવારે બેન્ડવાજા સાથે ખખડધજ માર્ગોના વિરોધમાં જૂનાગઢ શહેરના માર્ગો પર ફરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દ્રશ્યોમાં પૂર્વ રાષ્ટ્રપતિના નિધનના મલાજાનો ક્યાંકને ક્યાંક ભંગ થઈ રહ્યો હોય તેવું ચોક્કસ લાગતું હતું.