લોકસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ જૂનાગઢ શહેરમાં વિકાસના કામોને જાણે કે હોડ લાગી હોય તેમ સરકારના દરેક તંત્ર દ્વારા કામો શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા ગટર અને પીવાના પાણીની લાઇનો બિછાવવામાં આવી ગઈ છે તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ વાયરોને જમીનની અંદર પસાર કરવાનું કામો ચાલી રહ્યા છે.
તો બીજી તરફ ખાનગી મોબાઈલ કંપનીઓ દ્વારા પણ 5જી નેટવર્ક લઈને તૈયારીઓ આરંભી દીધી છે. જૂનાગઢ શહેરના એક પણ માર્ગ એવા નહિ હોય કે જ્યાં કોઈ ખોદકામ કરવામાં ન આવી રહ્યુ હોય જૂનાગઢ શહેરમાં કરવામાં આવેલા કામો ને લઈને માર્ગ બિસ્માર બન્યા છે. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
ત્યારે હવે એકાદ મહિના બાદ ચોમાસાની ઋતુ આવી રહી છે અને જૂનાગઢ મનપા પશ્ચિમ ગુજરાત વીજ કંપની અને ખાનગી મોબાઈલ કંપનીઓ દ્વારા જેવી રીતે શહેરના તમામ માર્ગો પર ખોદકામ કરવામાં આવ્યું છે તેને લઈને થોડી ચિંતા જોવા મળી રહી છે.
જૂનાગઢના લોકો વિકાસના કામોને આવકારી રહ્યા છે પરંતુ કંપનીઓ દ્વારા જે રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેને લઈને થોડી ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે નાના મોટા અકસ્માત ની શક્યતાઓ પણ છે તો સામે પક્ષે ચોમાસાની ઋતુ હોવાને કારણે રોડના નવીનીકરણનું કામ પણ થઈ શકે તેમ ન હોય જેથી શહેરીજનોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે.