જૂનાગઢ: શહેરમાં મનપાનુ જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં શાસક અને વિપક્ષ વચ્ચે જોરદાર અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના એકમાત્ર મહિલા કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે બજેટ અને વિકાસના કામોને લઈને ખૂબ જ ઉગ્ર અને ગરમા ગરમ માહોલમાં ચર્ચાઓ થઈ હતી. જેને લઇને સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓએ સમગ્ર મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી તું તારી સુધી પહોંચી ગઇ હતી. જેને લઇને મામલો વધુ ન બિચકે તે માટે સત્તાપક્ષ અને વિપક્ષના સિનિયર કોર્પોરેટરોએ બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલો બોર્ડમાં કેટલીક દરખાસ્તો પર ચર્ચાઓ ચાલી રહી હતી. જે દરમિયાન ઉપસ્થિત થયો હતો. તેમાં વિપક્ષના મહિલા કોર્પોરેટર આ મામલાની ચર્ચામાં ભાગ લેતા એવું જણાવ્યું હતું કે, મનપા દ્વારા જે ગ્રાન્ટ ખાસ કરીને અનામત જાતિઓ માટે ફાળવવામાં આવે છે. તેને લઈને મનપાનું વલણ અસહકાર ભર્યું છે. ત્યારે આ મામલાનો જવાબ આપવા રાકેશ ધુલેશીયા ઊભા થયા હતા.
બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર અને ગરમાગરમ માહોલમાં ભારે ચર્ચાઓ થઈ હતી. પરિસ્થિતિ વધુ ન વણશે અને ઉગ્ર ચર્ચાઓ જનરલ બોડીની ગરિમાને હાની ન પહોંચાડે તે માટે સત્તાપક્ષ અને વિપક્ષના સિનિયર કોર્પોરેટરોએ બંને વચ્ચે પડીને સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. અને અંતે મામલો શાંત પડ્તો જોવા મળ્યો હતો.