જૂનાગઢ: દેશમાં કોરોના વાઈરસના વધી રહેલા ખતરાને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુંં છે. જે લોકડાઉન અંત્તર્ગત દેશની મોટાભાગની સંસ્થાઓ બંધ જોવા મળી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અને લોકોની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે હોટસ્પોટ સિવાયના વિસ્તારોને સરકારના નીતિનિયમો અને સામાજિક અંતરનું પાલન થાય તેવા દિશાનિર્દેશો સાથે કેટલીક સહકારી સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી માર્કેટીંગ યાર્ડોમાં કૃષિ જણસોની લે-વેચની પ્રક્રિયા ફરી એક વખત શરૂ કરી છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો અને વેપારીઓ માટે માત્ર ઘઉંના વેચાણની પ્રક્રિયા એક કલાક માટે શરૂ કરવામાં આવી હતી. જેમાં ૪૦ જેટલા ખેડૂતોએ રવિ પાક ઘઉંનું વેચાણ કર્યું હતું.
ગત્ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થયો હતો. જેને કારણે રવિ પોકની સીઝનમાં ઘઉંનું ખૂબ જ બહોળા પ્રમાણમાં વાવેતર થયુ હતું. જેેથી ઘઉંનો પુષ્કળ પાક થયો છે. પરંતુ કોરોના વાઈરસના લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ જે અંતર્ગત પાકનેે બજાર સુધી લાવવામાં મુશ્કેલીઓ પડતી હતી. તેથી 17 એપ્રિલથી લોકડાઉનમાં આંશિક રાહતો આપવામાં આવી છે ત્યારે 17 એપ્રિલે ખોલવામા આવેલી બજારમાં રુપીયા 300 થી 380 સુધીના ભાવે ઘઉંની લે-વેચ થઇ હતી.
ગત્ વર્ષ કરતાં આ બજારભાવ થોડો ઉંચો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ જે પ્રકારે લોકડાઉનની અસરો ધીરે ધીરે હળવી બની છે અને બજારમાં ઘઉંની આવક પુષ્કળ થશે તો બજાર ભાવમાં પણ થોડો ઘટાડો થાય તેવી શકયતાઓ છે.