સમગ્ર વિશ્વમાં ધીમા પગલે આગળ વધી રહેલી મંદી હવે ગૃહ ઉદ્યોગોને પણ તેના ઝપટમાં લઈ રહી છે. નવરાત્રીનો તહેવાર હવે થોડા જ દિવસોમાં આવી રહ્યો છે, ત્યારે માં જગદંબાના તહેવારોમાં માટીના ગરબાનું ખાસ મહત્વ જોવામાં આવે છે. ભારતીય પ્રાચીન પરંપરામાં પણ માટીમાંથી બનતા ગરબા અને તેના દ્વારા થતી માં જગદંબાની પૂજા પણ હિન્દુ ધર્મમાં ભારે આસ્થા ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી રિટેલ બજારમાં પ્રવર્તી રહેલી ભારે મંદી અને છેલ્લા કેટલાક સમયથી પડી રહેલો ભારે વરસાદ ગરબાના ઉત્પાદન પર માઠી અસર ઉભી કરી રહ્યો છે.
વર્તમાન સમયમાં મોંઘવારી અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રૂપિયા 25 થી લઇને 100 સુધીના વિવિધ જાત અને ભાતના ગરબાઓ બજારમાં આવી રહ્યા છે. ગરબાના ઉત્પાદકો પણ માટીમાંથી ગરબા બનાવી અને બજારમાં પહોંચાડી રહ્યા છે. પરંતુ, ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન ખર્ચ અને બજારમાં માલને પહોંચતો કરવાનું મોંઘું બનતા ગરબાના ભાવમાં 10થી લઈને 20 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ગરબાનો ભાવ તેની સાઈઝ અને તેના આકાર મુજબ નક્કી કરવામાં આવે છે. જે મુજબ તેમાં 5 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીનો ભાવ વધારો આ વખતે કરવામાં આવ્યો છે, જે ગત વર્ષ કરતા 10થી લઈને 20 ટકા સુધી વધુ જોવા મળી રહ્યો છે.