રાજ્યમાં ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 થી 20 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યની ગ્રંથાલયોમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સરકારી પુસ્તકાલયમાં પણ આપણા શહેરને ઓળખો તેવા શીર્ષક સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનોની સાથે પુસ્તકાલયમાં વાંચન માટે આવતા લોકોએ ભાગ લઈને કાર્યક્રમને દીપાવ્યો હતો.
આ કાર્યક્રમમાં જૂનાગઢના રાજા રજવાડાઓનો ઇતિહાસ, જૂનાગઢમાં આવેલી ઐતિહાસિક અને પૌરાણિક ઇમારતો વિશેની માહિતી, જૂનાગઢમાં રાજ કરી ગયેલા નવાબોના સમયમાં ચાલતા સિક્કાઓ અને ચલણ તેમજ જે-તે રાજા રજવાડા અને નવાબના સમયના સરકારી દસ્તાવેજોની મૂળભૂત નકલો સહિત જૂનાગઢ શહેર માટે કેટલીક જાણી-અજાણી વાતોને મૂકવામાં આવી હતી. જેને પુસ્તકાલયમાં વાંચન માટે આવતા વાચકોએ નિહાળી જૂનાગઢના ઇતિહાસ પ્રત્યે માહિતી પ્રાપ્ત કરી હતી.