જૂનાગઢ: જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામના ભરતભાઈ અને નીતાબેન પટેલ આ ખેડૂત દંપતિ આજે દેશી જાતના શાકભાજી કઠોળ અને અનાજ વર્ગના બિયારણને સાચવવાનું ભગીરથ કામ કરી રહ્યા છે. કેટલાક વર્ષો દરમિયાન હાઇબ્રીડ બિયારણના સતત વધતા જતા વ્યાપની વચ્ચે પારંપરિક રીતે ખેતી સાથે જોડાયેલા ખેડૂતો પણ દેશી જાતના શાકભાજી કઠોળ અને અનાજનુ વાવેતર કરવાનું બિલકુલ ભૂલી ગયા છે, ત્યારે સૌરાષ્ટ્રની ઓળખ અને સ્વાદ તેમજ સ્વાસ્થ્ય માટે જેને આજે પણ સર્વોત્તમ માનવામાં આવે છે. તેવા દેશી જાતના શાકભાજી કઠોળ અને અનાજ વર્ગનું બિયારણ સાચવવાનુ કામ ભરતભાઈ અને નીતાબેન પટેલ પાછલા કેટલાક વર્ષોથી કરી રહ્યા છે.
Junagadh Lion Video: ભાગ્યે જ જોવા મળતો બાળસિંહની મસ્તીનો વીડિયો કેમેરામાં થયો કેદ
સ્વાદની સાથે સ્વાસ્થ્ય એકમાત્ર મંત્ર: ભરતભાઈ અને નીતાબેન પટેલે બિજ બેંક શરૂ કરવાને લઈને સ્વાસ્થ્યની સાથે સ્વાદને પોતાનો મૂળ મંત્ર બનાવીને આગળ વધી રહ્યા છે. આધુનિક સમયમાં ખૂબ વધારે ઉત્પાદન આપતા હાઇબ્રીડ અને શંકરિત બિયારણો સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હવે લોકો ફરી મૂળભૂત ખોરાક તરફ આગળ વધે તે માટેની તેઓ સતત ચિંતા કરી રહ્યા છે. જેને કારણે તેઓ પાછલા કેટલાક વર્ષોથી દેશી જાતના અલગ અલગ શાકભાજી કઠોળ અને અનાજનું વાવેતર કરીને તેમાંથી બિયારણ બનાવી રહ્યા છે. જે દેશના કોઈ પણ ખેડૂતને બિલકુલ મામુલી કહી શકાય તે પ્રકારના કુરિયર ખર્ચે ખેડૂતો અને લોકોની જરૂરિયાત મુજબ તેઓને મોકલી રહ્યા છે. તેમની પાછળનો તેમનો ધ્યેય પણ લોકો સ્વાદની સાથે સ્વાસ્થ્યવર્ધક શાકભાજી અનાજ અને કઠોળનો તેના દૈનિક જીવનમાં ઉપયોગ કરે તે માટે તેઓ આ મહાયજ્ઞમાં જોડાયા છે.
ખેડૂત દંપતીને મળ્યો રાજ્ય કક્ષાનો એવોર્ડ: રસાયણ અને ખાતર મુક્ત દેશી બીજ બનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલા ભરતભાઈ પટેલને વર્ષ 2020-21 માટેના રાજ્યના સર્વ શ્રેષ્ઠ ખેડૂત તરીકેનું પારિતોષિત પણ જુનાગઢ ખાતે ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે આપવામાં આવ્યું હતું. આ સિવાય તેમને કૃષિ ક્ષેત્રમાં સારું કામ કરવા બદલ એક ખેડૂત તરીકે રાજ્ય અને દેશની અનેક સંસ્થાએ ખેડૂત પતિ પત્નીનું બહુમાન પણ કર્યું છે. ભરતભાઈ અને નીતાબેન સમગ્ર દેશમાં આયોજિત થતાં પ્રાકૃતિક કૃષિ શિબિરમાં પણ અચૂક પહોંચી જાય છે અને ત્યાંના લોકોને પણ દેશી પ્રકારના બિયારણો કઈ રીતે ઉત્પાદિત કરી શકાય તેની સાચવણી કઈ રીતે કરવી તે તમામ માહિતી પૂરી પાડી રહ્યા છે.