કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક નિયમન અને તેના ઉલ્લંઘન માટે આકરા દંડની જોગવાઈના નિયમો બહાર પાડ્યા છે. જેને લઈને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બુધવારે ગુજરાત સરકારે આ નિયમની અમલવારી આગામી 15મી ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. સાથે જ વાહનચાલકોને ટ્રાફિકના દંડને લઇને જાણકારી મળે તે માટે જૂનાગઢ શહેરમાં હોર્ડિંગ મૂકવામાં આવ્યા છે. આ હોર્ડિગ શીર્ષાસન કરતાં હોય તેવી હાલતમાં નીચે પડેલા જોવા મળી રહ્યા છે.
રાજ્ય સરકારે ટ્રાફિકના નવા નિયમોના અમલવારી પહેલા નિયમો અંગેની પૂરતી અને સચોટ જાણકારી વાહનચાલકોને મળે તે માટે આગવું આયોજન અને વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ નવા કાયદાના અમલ શરૂ થયા બાદ પણ લોક જાગૃતિનું કામ સરકારે કર્યું નથી. મોડે મોડે બુધવારે શહેરમાં લોકો અને અને વાહન ચાલકોને જાણકારી પ્રાપ્ત થાય તે માટે હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરના કાળવા ચોક, સરદાર ચોક, રાણાવાવ ચોક, આઝાદ ચોક, ચિત્તાખાના ચોક, ગાંધી ચોક અને એસટી ડેપો સહિતના વિસ્તારોમાં માત્ર એક જ જગ્યા પર આ પ્રકારના હોર્ડિંગ મૂકવામાં આવ્યું છે. હોર્ડિંગ મૂક્યાના 24 કલાક બાદ શીર્ષાસન કરતું હોય તેમ જોવા મળી રહ્યું છે. જેથી હોર્ડિંગ્સ વાહનચાલકોને કઈ રીતે નજર સમક્ષ આવશે તેને લઈને વાહન ચાલકો પણ હવે પ્રશ્ન કરી રહ્યા છે.