- આસો મહિનામાં સર્જાયેલ અષાઢી માહોલએ ખેડૂતો ચિંતામાં
- ખેડૂતોને વરસાથી મોટું નુકશાન
- હવામાન વિભાગની આગાહી
જૂનાગઢઃ હવામાન વિભાગ દ્વારા આગામી 21 તારીખ સુધી સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ગીર વિસ્તારમાં આવેલા દરિયાઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. તે મુજબ મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં તેમજ ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદની તીવ્રતા ભર ચોમાસે હોય તે પ્રકારની જોવા મળી હતી.
વરસાદથી ખેતી પાકને નુકસાન
આસો મહિનામાં મોટેભાગે ચોમાસુ વિધિવત રીતે વિદાય લઈ ચૂક્યું હોય છે, પરંતુ આ સમય દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર કાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે મગફળી અને કપાસના પાકને ખૂબ જ નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. પાછળથી મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો માટે વરસાદ કહેર બનીને આજે વરસી ગયો તો બીજી તરફ કપાસના પાકમાં પણ જીંડવાના બીજા ફાલના સમયે આવતા કપાસના ફૂલોને વરસાદ ખુબ જ નુકશાન કરી શકે છે. આવી પરિસ્થિતિમાં કપાસમાં જીંડવા બેસવાની પ્રક્રિયા સદંતર નિષ્ફળ બની શકે છે. જેને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

હવામાન વિભાગની આગાહીઓ અક્ષરસહ પડી સાચી
હવામાન વિભાગે ગત 15 તારીખે etv bharat સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી, જેમાં 16 તારીખથી લઇને 21 તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. તે મુજબ વરસાદ પડી રહ્યો છે. ત્યારે હજુ પણ બુધવારના રોજ વરસાદ પડવાની શક્યતાઓને નકારી શકીએ તેમ નથી. ત્યારે બુધવારે વરસાદી વાતાવરણ દૂર થતું જશે અને ચોમાસાની વિદાયની ઘડીઓ પણ શરૂ થશે.
