છેલ્લા ૪૮ કલાકથી જૂનાગઢ અને ગિરનાર પર સતત વરસાદ રૂપી અમી વર્ષા થઇ રહી છે. ગિરનાર પર્વત પર છેલ્લા ૪૮ કલાક દરમિયાન 10 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં ગિરિ તળેટીમાંથી પસાર થતી સોનરખ નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું હતું. જેને પગલે ગીરનાર તળેટીમાં આવેલા નારાયણ ધરોમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો, જેને માણવા માટે જૂનાગઢવાસીઓ ઉમટી પડ્યા હતા.
કુદરતે જૂનાગઢને જે નૈસર્ગિક ખજાનો અને સુખ આપ્યું છે, તેવું સૌરાષ્ટ્રમાં ક્યાય પણ જોવા મળતું નથી, જેને લઇને જૂનાગઢવાસીઓ ખૂબ જ ઉત્સાહિત અને રોમાંચિત જોવા મળી રહ્યા છે. નારાયણ ધરોમાં આવેલું ઘોડાપૂર જૂનાગઢના લોકોને આકર્ષી રહ્યું હોય તેમ શનિવારના રોજ ધોધમાર વરસાદમાં પણ જૂનાગઢવાસીઓ નારાયણ ધરામા ડૂબકી લગાવીને કુદરતે આપેલા સૌદર્યને મન ભરીને માણ્યો હતો, ગીરનારની તળેટીમાંથી વહી રહેલો પાણીનો સતત અને અવિરત પાણીનો પ્રવાહ બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકોને નારાયણ ધરા સુધી ખેંચી લાવ્યો હતો, અહીં આવેલા સૌ કોઈ કુદરતની વરસાદ રુપે જે અમી દ્રષ્ટિ થઈ રહી છે તેમાં ડૂબકી લગાવીને તેની જાતને ધન્ય કરી હતી તેમજ શનિવારે પડેલા મુશળધાર વરસાદને મન મુકીને માણ્યો હતો.