જૂનાગઢ: જિલ્લાના ઘેડપંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે, ત્યારે હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે. મોટા ભાગના ઘેડ પંથકનો વાહનવ્યવહાર ખોરવાયો છે. લોકોની સલામતીની વ્યવસ્થા કરવાવાળુ તંત્ર નિષ્ફળ સાબિત થયું હોવાનો બનાવ સરોડ ગામે જોવા મળ્યો છે. ગામમાં ફરતે પાણી હોય, વાહન વ્યવહાર બંધ હોય, પગપાળા કરીને પણ ગામ બહાર નીકળી શકાય એમ ન હોય તેવા સમયે સરોડ ગામે એક વ્યક્તિ બિમાર થતા તે બેભાન અવસ્થામાં હોવાથી સારવાર અર્થે દવાખાને લઇ જઇ શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી સરોડ ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ દ્વારા કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી.
તેમણે સમગ્ર વિગત કન્ટ્રોલ રૂમમાં આપી હતી અને તે બાદ NDRFની ટીમ સરોડ ગામે જવા રવાના થઇ હતી. NDRFની ટીમ પાડોદરથી સરોડ જવા આગળ વધી હતી પરતું સરોડ સુધી પહોંચી શકાય તેવી પરિસ્થિતિ ન હતી. જેથી NDRFની ટીમ પાડોદરથી પરત કેશોદ ગઇ હતી તો ગામજનોને સમયસર મદદ ન મળી શકી.