જૂનાગઢઃ ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ જૂનાગઢમાં ભારે ભક્તિસભર વાતાવરણમાં ઊજવવામાં આવી રહ્યો છે, અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બાપુ દ્વારા રવિવારે ગિરનારના દેવાધિદેવ દત્ત મહારાજની પૂજા કરીને ગુરુ પૂનમના પાવન પર્વની ઉજવણી કરી હતી, ત્યારબાદ ભીડભંજન મહાદેવ મંદિરમાં આવેલા અંબાજી મંદિરના મહંતની સમાધિનું પૂજન કરીને ગુરુ-શિષ્યની પરંપરાને વધુ ઉજ્જવળ બનાવી હતી.
વહેલી સવારે બ્રાહ્મણની હાજરીમાં પ્રથમ ગુરુદત્ત મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય મહંત અને ગુરુ મહારાજનું પૂજન કરાયું હતું. આજના દિવસે દરેક મહંત તેમના બ્રહ્મલીન ગુરુ મહારાજનું પૂજન કરતા હોય છે અને તેમના આશીર્વાદ પણ મેળવતા હોય છે. જે પરંપરાને ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વધુ પ્રેરક બનાવીને ગુરૂપુજન કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે આજે સમગ્ર રાજ્યમાં ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે સમગ્ર રાજ્યના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી, જેથી મંદિર પ્રસાશન દ્વાર મંદિરના પટાંગણમાં જ સેનેટાઇજર આપી તથા મોઢા પર માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો.
