જુનાગઢ : ચોમાસાની શરુઆતના પ્રથમ રાઉન્ડ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જાણે વરસાદ બ્રેક લેવાના મૂડમાં નથી. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે. ત્યારે પાછલા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લો જળબંબાકાર થયો છે. જિલ્લાના વેરાવળ તાલાલા અને સુત્રાપાડા તાલુકામાં વરસાદી પાણીથી સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે. આ ચારેય તાલુકાઓમાં આખી રાત મેઘાવી માહોલ રહ્યો હતો. ઉપરાંત જુનાગઢ જિલ્લાના તાલુકામાં પણ અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં 12 ઈંચ વરસાદે ભારે તારાજી સર્જી છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 24 કલાકમાં 23 ઈંચ વરસાદ વરસ્યો હતો.
પાણીમાં વાહનો તણાયા : ગીર સોમાનાથ જિલ્લામાં પાછલા 24 કલાક દરમિયાન સોમનાથ, વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા તાલુકામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જેને કારણે જિલ્લાની સૌથી મોટી હિરણ સરસ્વતી સહિત અન્ય સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળે છે. જેને કારણે વરસાદી પાણી વેરાવળ, સુત્રાપાડા, તાલાલા સહિત ત્રણેય તાલુકાના અનેક ગામડાઓમાં ફરી વળ્યા છે. જેના પરિણામ સ્વરુપે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વેરાવળના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં વાહનો વરસાદી પાણીમાં તણાતા હોય તેવા ચિંતાજનક દ્રશ્યો પણ જોવા મળે છે. આજે પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે.
વરસાદે તારાજી સર્જી : જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદના કારણે જુનાગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યાં સ્થળ ત્યાં જળ જેવા દ્રશ્યો જોવા મળે છે. ઉલ્લેખનિય છે કે, માંગરોળમાં 4 કલાકમાં 10 ઈંચ અને માળીયામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાયા છે. પાકને નુકસાન થાય તેના ભયથી અને હજુ પણ વરસાદની આગાહીના કારણે ખેડૂતો પરેશાન થયા છે.
જાહેર જીવનને અસર : અનરાધાર વરસાદે ધોરાજીમાં તારાજી સર્જી છે. ધોરાજીમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમુક વિસ્તારોમાં વરસાદી પાણીના વહેણમાં વાહનો પણ તણાયા હતા. ત્યારે કેશોદ-વેરાવળ હાઈવે પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. સમગ્ર પંથકમાં મુખ્ય રસ્તાઓ બંધ કરવા પડે એવી સ્થિતિ છે. ક્યાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાન થયું છે. તો ક્યાં રસ્તાઓ પર પાણી ફરી વળતા આવન જાવન અશક્ય થયું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, સુત્રાપાડાની માર્કેટમાં રજા જેવો માહોલ લાગી રહ્યો છે. ઉમરેઠી સ્થિત હિરણ 2 ડેમના સાતેય દરવાજા ખોલવા પડ્યા હતા.