જૂનાગઢઃ આજે (રવિવાર તારીખ 29.1.2023)ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પસંદગી કરવા માટેની પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા શરૂ થાય તે પૂર્વેજ પરીક્ષાનું પેપર લીક થઈ જતા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને મોકુફ રાખવામાં આવી છે. જેને લઈને દૂર દૂરથી આવેલા પરીક્ષાઓમાં સમગ્ર પરીક્ષા પદ્ધતિને લઈને ભારોભાર રોષ જોવા મળે છે.
આ પણ વાંચોઃ Junior Clerk Exam Paper Leak: જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું લાખો વિદ્યાર્થીઓનું સપનું તૂટ્યું
માનસિકતા પર અસરઃ પાછલા કેટલાક વર્ષો દરમિયાન લેવામાં આવેલી મોટા ભાગની તમામ પરીક્ષાઓનું પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થાય તે પૂર્વે લીક કરી દેવામાં આવે છે. જેને લઈને પરીક્ષાર્થિઓના મનોબળની સાથે તેની માનસિકતા પર હવે ખૂબ વિપરીત અસરો પડી રહી છે. સરકારની પરીક્ષા પદ્ધતિ સામે જુનાગઢ પરીક્ષા આપવા માટે આવેલા પરીક્ષાર્થીઓ એ ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જુનાગઢ ખાતે પરીક્ષા આપવા માટે આવેલા પરીક્ષાર્થીઓએ પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે તેની જાણ પરીક્ષા કેન્દ્ર પરથી થતા વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી છે.
સિસ્ટમ સામે સવાલઃ જુનાગઢ પરીક્ષા માટે આવેલા પરીક્ષાથીઓ એ સામુહિક રીતે સરકારની પરીક્ષા પદ્ધતિ સામે અનેક સવાલો કર્યા હતા અને આજની પરીક્ષા રદ થઈ છે. તેને લઈ ગુજરાત સરકારની નિષ્ફળતા ગણાવી છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક નથી થયું વિદ્યાર્થીઓનું નસીબ ફૂટી ગયું છે. જેના માટે રાજ્યની સરકાર અને પરીક્ષા પદ્ધતિ સાથે સંકળાયેલા બોર્ડ અને વ્યક્તિઓ જવાબદાર છે. વિદ્યાર્થીઓને જે નુકસાન થયું છે તેની ભરપાઈ રાજ્યની સરકાર કઈ રીતે કરી શકશે. તેવા વેધક સવાલો પણ પરીક્ષાર્થીઓ એ પરીક્ષા કેન્દ્ર પરથી વ્યક્ત કર્યા હતા.
પુનરાવર્તનઃ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં જુનિયર સહાયક તરીકેની ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરાયું હતું. ત્રણ વખત પરીક્ષા રદ કરવામાં આવી હતી. તેની પાછળ પરીક્ષા પૂર્વે જ પ્રશ્નપત્ર લીક થવાનું કારણ સરકારે અને પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વ્યક્ત કરાયુ હતુ. આજે સતત ચોથી વખત જુનિયર સહાયકની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયુ છે. જે અગાઉના ત્રણ અનુભવોનુ ફરી એક વખત નવી સરકારમાં પુનરાવર્તન થયું છે. જેની સામે પરીક્ષાથીઓમાં ભારે રોષ જોવા મળે છે.
આ પણ વાંચોઃ Jamnagar Crime News : જામનગરની યુવતીને વિધર્મી શખ્સે લલચાવીને ગુજાર્યું દુષ્કર્મ
નવસારી: નવસારી જિલ્લામાં પણ 72 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા રાખવામાં આવી હતી. જેની તંત્ર દ્વારા તૈયારી પણ પૂર્ણ કરી પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે એવી વ્યવસ્થા ગોઠવાઈ હતી. પરંતુ પરીક્ષા રદ્દ થતા જિલ્લામાં 27030 પરીક્ષાર્થીઓ અટવાયા છે. પરીક્ષા રદ્દ થવાના સમાચાર મળતા તમામ પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એલર્ટ કરી પરીક્ષાર્થીઓને પૂરતી માહિતી મળી રહે એવી વ્યવસ્થા કરાઇ છે. જેની સાથે જ નવસારીની સંસ્કાર ભારતી સ્કૂલમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. સાથે જ પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
અરમાન બધા ચકનાચૂર થઈ ગયા: જ્યારે પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓ દૂર દૂરથી આ પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને જણાવ્યું હતું. લાંબા સમય બાદ અમે ઘણી મહેનત અને વાંચન કરી આ પરીક્ષાની તૈયારીઓ કરી છે અને જ્યારે અમે પરીક્ષા કેન્દ્રો પર આવ્યા ત્યારે અમને ખબર પડી કે પરીક્ષાઓ રદ કરવામાં આવી છે ત્યારે અમારા અરમાન બધા ચકનાચૂર થઈ ગયા અને તેઓ દ્વારા સરકારને ખાસ વિનંતી કરવામાં આવી હતી કે આ લાખો લોકોના ભવિષ્યનો સવાલ હોય ત્યારે સરકારે આ પેપર કઈ રીતે લીક થાય છે તેની યોગ્ય તપાસ કરવી જોઈએ અને પરિવાર આવી ઘટનાના બને તેની ખાસ કાળજી રાખવી જોઈએ.
ભાવનગરમાં વિદ્યાર્થીઓ નિરાશઃ ભાવનગર જિલ્લામાં પંચાયત વર્ગ ત્રણની પરીક્ષા આપવા આવેલા 55,390 વિદ્યાર્થીઓ ડેલીએ હાથ દઈ પરત ફરતા રોષ જોવા મળી રહ્યો છે. રાત ઠંડીમાં પસાર કરીને પૈસાનો વ્યય કરી શ્રમ વેડફનાર પરિક્ષાર્થી અને વાલીઓમાં રોષ છે. વહેલી સવારના પરોઢિયે પંચાયત વર્ગ ત્રણની પરીક્ષા આપવા પહોંચેલા પરિક્ષાર્થીઓને નીરાશા સાથે પરત ફરવાનો સમય આવ્યો હતો. કારણ હતું પેપર ફૂટ્યું હતું. ભાવનગર જિલ્લામાં પણ જેસર તાલુકા સિવાયના અન્ય તાલુકાઓમાં 1847 જેટલા વર્ગખંડોમાં 55,390 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ પરીક્ષા બહારગામથી આવેલા વિદ્યાર્થીઓને ધરમનો ધક્કો થયો હતો.
ઠંડીમાં હેરાન પરેશાનઃ પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચીને પરત ફરેલા પરીક્ષાર્થીઓ નિરાશ થઈ ફરીથી એસટી બસ સ્ટેન્ડે પહોંચ્યા હતા. ભાવનગરના એસટી બસ સ્ટેન્ડે આવેલા પરીક્ષાર્થીઓએ ગતરાત કોઈએ હોટલમાં, કોઈ સગા વાલાઓના ઘરે, તો કોઈ એસટી બસ સ્ટેન્ડ, તો કોઈ રેલવે સ્ટેશનમાં રાત પસાર કરી હતી. સ્થાનિક તંત્ર દ્વારા 181 કેન્દ્ર ઉપર 1847 જેટલા વર્ગખંડ તૈયાર કરી લેવામાં આવ્યા હતા. સમગ્ર વર્ગખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં 55,390 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.ભાવનગર જિલ્લામાં ભાવનગરમાં બે મહુવામાં,પાલીતાણામાં એક એમ સ્ટ્રોંગ રૂમ પણ ઊભા કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્તને લઈને 724 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા.
કડક પગલાંની માંગઃ સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. ઘણા સમય થી પરીક્ષાની તૈયારી કર્યા બાદ જુનિયર ક્લાર્કનુ પેપર રદ્ થતાં સરકાર સામે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. જિલ્લાના ફૂલ 67 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 16000 થી વધુ વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા. મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. ભાવનગર, મહુવા, પાલીતાણા, બોટાદ સહિતના શહેરોમાં થી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા.પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે.
વિદ્યાર્થીઓ નારાજઃ સુરતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ફૂટવા બાબતે પરીક્ષાાર્થીઓમાં નારાજગી જોવા મળી છે. સુરત પરીક્ષા આપવા માટે આવેલા દૂરદૂરથી પરીક્ષાાર્થીઓમાં સરકાર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર આવીને આવી ખબર પડે કે પરીક્ષા રદ થઈ ગયું છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ જ દુઃખ થયું છે. જોકે, સુરત જિલ્લામાંથી પણ અનેક વિદ્યાર્થી રાતનો ઉજાગરો કરીને પરીક્ષા દેવા માટે પહોંચ્યા હતા. જેમને અંતે નીરાશા સાંપડી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વધુ એક પરિક્ષામાં છબરડા સામે આવ્યા: અહી 20 ઉમેદવારોના પેપર સીલ ખુલ્લા
બોટાદઃ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાને કારણે બોટાદમાં પણ મોટા પડઘા પડ્યા હતા. બોટાદ પીલીસ દ્વારા એસટી ડેપોએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. જેથી કરીને વિદ્યાર્થીઓમાંથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ડી,વાઈ.એસપી,એલ.સી.બી, પી.આઈ સહિતનો પોલીસ કાફલો બસ સ્ટેન્ડે પહોંચ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ઘરે જવામાં કોઈ મુશ્કેલી ન પડે એનું ખાસ ધ્યાન રખાયું હતું.
બસ ડેપો પર વિદ્યાર્થીઓ વિફર્યાઃ પાટણ જિલ્લામાં આ પરીક્ષાને લઈને 31740 ઉમેદવારો નોંધાયા હતા. 95 કેન્દ્રો પર પરીક્ષા લેવાની હતી. પાટણ હારીજ રાધનપુર સિદ્ધપુર ડેપો પર વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. સરકાર એ ઉમેદવારો માટે રિટર્ન ટિકિટ ફ્રી કરી છે. પરંતુ જાણકારી ના અભાવે ઉમેદવારો અટવાયા છે. એસટી ડેપો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
સાબરકાંઠાઃ જુનિયર ક્લાર્ક ની આજે પરિક્ષા રદ થતા ઉમેદવારો અટવાયા હતા. ઈડર સેન્ટરે આગળ આવી ઉમેદવારો ધક્કે ચડ્યા હતા. વહેલી સવારથી જ હિંમતનગર ઈડર સેન્ટર પર ઉમેદવાર આવેલ હતા. અચાનક પેપર લીકના સમાચાર સાંભળતા ઉમેદવારો પરત નીકળ્યા હતા. ઠંડી અને વરસાદી માહોલમાં વહેલી સવારે ઉઠીને સેન્ટર પર આવ્યા હતા. જિલ્લાના તમામ સેન્ટર પર પોલીસ સુરક્ષામાં એકાએક વધારો કરી દેવમાં આવ્યો હતો.