જૂનાગઢ: ગો ફર્સ્ટ એરલાઇન્સને ગ્રાહક સેવા પૂરી નહીં પાડીને માનસિક અને આર્થિક રીતે નુકસાન કરવાના બદલામાં જુનાગઢ ગ્રાહક સુરક્ષા અદાલતે ગ્રાહક હેમાબેન શુક્લાની તરફેણમાં ચુકાદો આપીને ગો ફર્સ્ટ એરલાઇન્સને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. 15 મી મેના દિવસે ગો ફર્સ્ટ એરલાઇન્સ દ્વારા તેમના તમામ એડવાન્સ બુકિંગ રદ કર્યા હતા. જેના એક ગ્રાહક તરીકે જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી હેમાબેન શુક્લા અંદામાન નિકોબાર ટાપુથી 15 તારીખે ત્યાંથી જુનાગઢ પરત આવવાના હતા પરંતુ કંપનીએ નાદારી નોંધાવતા તમામ ઉડાનો રદ કરવામાં આવી હતી.
21 દિવસના ટૂંકા ગાળામાં ચુકાદો: વિમાન કંપની ગો ફર્સ્ટ દ્વારા ગ્રાહક હેમાબેન શુક્લાને મુસાફરીની સુવિધા નહીં પૂરી પાડવાના કિસ્સામાં ગ્રાહક તરીકે તેમણે 3જી મે 2023 ના દિવસે જુનાગઢ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વળતરનો દાવો માંડ્યો હતો. જેમાં કોર્ટે વિમાન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય અધિકારીને કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારી હતી પરંતુ કંપની દ્વારા નોટિસનો જવાબ નહીં આપવામાં આવતા અંતે 24મી મે 2023 ના દિવસે ગ્રાહક સુરક્ષા કોર્ટે ફરિયાદી હેમાબેન શુક્લના તરફેણમાં 21 દિવસના ટૂંકા સમય ગાળામાં ચુકાદો આપીને વળતર ચૂકવવાનો હુકમ વિમાન કંપની ગો ફર્સ્ટને કર્યો છે.
'ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જવા પાછળનો તેમનો હેતુ કંપની પાસેથી કોઈ આર્થિક રકમ લેવાનો ન હતો પરંતુ એક ધારાશાસ્ત્રી હોવાને નાતે પણ જો ગ્રાહક તરીકે કોઈ કંપનીને પડકારવામાં ન આવે તો અન્ય પ્રવાસીઓ કે ગ્રાહકો પણ આ પ્રકારના કાયદાના રક્ષણનો ઉપયોગ કરતા ખચકાશે. કંપનીને કાયદાનું ભાન થાય અને ગ્રાહકો ભારતના બંધારણ મુજબ બનાવવામાં આવેલા કાયદા દ્વારા રક્ષણ મેળવી શકે છે તેવો સંદેશો સામાન્ય લોકોમાં જાય તે માટે તેમણે ગ્રાહક સુરક્ષાનો કોર્ટનો સહારો લીધો હતો.' -હેમાબેન શુક્લ, સિનિયર ધારાશાસ્ત્રી
23 હજાર કરતાં વધુનું આપવું પડશે વળતર: જૂનાગઢ ગ્રાહક સુરક્ષા કોર્ટે વિમાન કંપની ટિકિટના 21,580 1,250 રૂપિયા માનસિક હેરાનગતિ અને ₹1000 કોર્ટ કેસના ખર્ચ ગણીને તેમને કુલ 23,830 નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ પ્રકારે ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ કોર્ટે વળતર ચૂકવવાનો હુકમ કર્યો હોય તેવો કદાચ આ પ્રથમ કિસ્સો જુનાગઢ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં નોંધાયો હશે.