- ગિરનાર રોપ-વેના ટિકિટના દરમાં કરાયો 200 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો
- ગુરૂવારથી 15 નવેમ્બર સુધી ભાવ ઘટાડો અમલમાં રહેશે
- પ્રત્યેક વ્યક્તિ 500 અને પ્રત્યેક બાળકના 250 રૂપિયા ટિકિટના દર નક્કી કરાયા
- પ્રથમ દિવસથી જ રોપ-વેની ટીકીટને લઈને યાત્રિકોમાં કચવાટ જોવા મળતો હતો
- રાજકારણીઓ પણ ટિકિટના દર ઘટાડવા માટે મેદાને પડ્યા હતા
જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાં મુસાફરી કરવા માગતા પ્રત્યેક યાત્રિકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ઉષા બ્રેકો કંપનીના હેડ ક્વાર્ટર દિલ્હી ખાતેથી ટિકિટોના ભાવ ઘટાડવાની જાહેરાત થઇ છે. આગામી 15મી નવેમ્બર સુધી પ્રત્યેક વ્યક્તિના 500 અને પ્રત્યેક બાળકના 250 રૂપિયા ટિકિટનો દર નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે આગામી 15મી નવેમ્બર સુધી અમલમાં રહેશે ત્યારબાદ નવા દરોને લઈને કંપની કોઈ જાહેરાત કરી શકે છે. જ્યારથી રોપ-વે શરૂ થયો છે, ત્યારથી ટિકિટના દરને લઈને કચવાટ જોવા મળતો હતો. પરંતુ હવે કંપની એક્શનમાં આવી છે અને ટિકિટના ભાવ ઘટાડાની જાહેરાત પણ કરી છે.
યાત્રિકોએ રોપ-વેના અનુભવોને લઈને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો
એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે પર મુસાફરી કરીને પરત આવેલા યાત્રિકો તેમની મુસાફરીનો અનુભવ વ્યક્ત કરતા થાકતા નથી. આ પ્રકારનો અનુભવ જીવનમાં પહેલી વખત કર્યો હોવાનું જણાવીને રોપ-વેની મુસાફરીને રોમાંચિત મુસાફરી પણ ગણાવી હતી અને આ પ્રકારનો અનુભવ સમગ્ર વિશ્વમાં જૂનાગઢમાં થઇ રહ્યો હશે, તેવો દાવો પણ કર્યો હતો. રોપ-વેના સંચાલનથી લઈને તેમની મુસાફરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.