જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આજે શરૂ થઈ છે. ત્યારે સમગ્ર પરિક્રમાને પ્રદૂષણમુક્ત અને ખાસ કરીને પ્લાસ્ટિકના પ્રદૂષણથી દૂર રાખી શકાય તે માટેનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. પ્રકૃતિ મિત્રના સ્વયંસેવકો પાછલા એક દસકાથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત કરી શકાય છે તે માટે કામ કરી રહ્યા છે.
પ્રદૂષણમુક્ત પરિક્રમાનો પ્રયાસ: આ વર્ષે પણ 115 જેટલા સ્વયંસેવકો પરિક્રમા માટે આવતા પરિક્રમાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકની બેગ એકત્ર કરીને વિનામૂલ્યે કાપડ અને ઇકો ફ્રેન્ડલી બેગ આપીને ગિરનારને પ્રદૂષણમુક્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં તેમને દર વર્ષે સફળતા પણ મળી રહી છે. વર્ષો વર્ષ પરિક્રમાના આ દિવસો દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની બેગોને જંગલમાં જતી અટકાવાઈ રહી છે જેને કારણે પ્રકૃતિની સાથે વન્યજીવ સૃષ્ટિ અને ગિરનારને પ્રદૂષણ મુક્ત રાખવામાં મોટી સફળતા મળી છે.
આજથી 10 વર્ષ પૂર્વે ગિરનારને પ્રદૂષણમુક્ત રાખવાનો આવેલો વિચાર આજે 11માં વર્ષે વટ વૃક્ષ બનીને સામે આવ્યો છે. દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં જંગલમાં જતું પ્લાસ્ટિક અટકાવવામાં અમારા સ્વયંસેવકોને સફળતા મળી છે. દર વર્ષે આ જ પ્રકારે ગિરનારને પ્રદૂષણ મુક્ત રાખવાનું અભિયાન ચાલુ રાખવામાં આવશે. પરંતુ લોકો સ્વયંભુ પ્લાસ્ટિકનો ત્યાગ કરીને પરિક્રમાના માર્ગ પર પ્લાસ્ટિક સાથે ન આવે તેવી વિનંતી છે. - પ્રો. ચિરાગ ગોસાઈ (પ્રકૃતિ મિત્રના ચેરમેન)
પ્લાસ્ટિકના પ્રદૂષણને ઓછું કરવા પ્રયાસ: પાછલા એક દસકાથી ગિરનારને અને ખાસ કરીને પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓ દ્વારા જંગલ વિસ્તારમાં થતાં પ્લાસ્ટિકના પ્રદૂષણને ઓછું કરી શકાય તેમજ તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે તે માટે પ્રકૃતિ મિત્રના સ્વયંસેવકો એક દસકાથી સતત મહેનત કરી રહ્યા છે. આજે 11મા વર્ષે પણ પ્રકૃતિ મિત્રના સ્વયંસેવકો પરિક્રમા માર્ગ પર પડાવ નાખીને પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: