જૂનાગઢ: જૂનાગઢ શહેરની આઝાદી માટે લડત કરવા માટે બનાવવામાં આવેલી આરઝી હુકુમતની યાદ આજે આઝાદીના 75 વર્ષ પછી ફરી એક વખત તાજી બની રહી છે. આ વખતે જૂનાગઢ શહેરમાંથી પસાર થતી મીટરગેજ રેલવે લાઇન પર આવેલા આઠ જેટલા રેલવે ક્રોસિંગમાંથી શહેરની જનતાને મુક્તિ મળે તે માટે જુનાગઢ શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને ધારાશાસ્ત્રીના 21 સભ્યોની બનેલી જૂનાગઢ પ્લાસવા શાપુર રેલવે જોડાણ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ આગામી દિવસોમાં જુનાગઢ શહેરને બે ભાગમાં વિભાજિત કરતી જુનાગઢ અમરેલી દેલવાડા મીટરગેજ લાઈનને શાપુર નજીક જોડવામાં આવે તે માટેનો આંદોલન કરશે.
જૂનાગઢ શહેરમાં ફાટક માથાનો દુખાવો: નવાબી શાસનકાળ દરમિયાન જુનાગઢ શહેરમાં વર્ષ 1890 માં જૂનાગઢથી અમરેલી અને દેલવાડા મીટરગેજ લાઈન નાખવામાં આવી હતી. ત્યારે આ લાઈન જુનાગઢ શહેરની બિલકુલ બહાર અસ્તિત્વ ધરાવતી હતી. પરંતુ આજે 133 વર્ષ બાદ જૂનાગઢ શહેર નો પશ્ચિમ દિશામાં ખૂબ વિસ્તાર થયો છે. જેને કારણે શહેર માંથી પસાર થતી મીટરગેઈજ લાઈન જૂનાગઢ શહેરને દિવસમાં ચાર વખત બે ભાગમાં સ્પષ્ટ રીતે વહેંચી નાખે છે. ટ્રેન પસાર થવાના સમયે જૂનાગઢ શહેરના તમામ આઠ ફાટકો પર ટ્રાફિકજામની વિકરાળ સમસ્યા જોવા મળે છે. જેને કારણે જુનાગઢ શહેરના લોકોને ફાટક અને ટ્રાફિકજામ તેમજ અંડર બ્રિજની સંભવિત મુશ્કેલી માંથી મુક્તિ મળે તે માટે આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જે આગામી દિવસોમાં જૂનાગઢના લોકો માટે રેલવે તંત્ર સામે લડાઈ કરતી જોવા મળશે.
11 કિલોમીટરના જોડાણથી નવી લાઈન: જૂનાગઢ શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને શહેરની કો-ઓપરેટીવ સોસાયટીના 21 જેટલા પ્રમુખો અને સભ્યોની સાથે ધારાશાસ્ત્રી ઓ જોડાઈને આ સમિતિની રચના કરવામાં આવી છે. પલાસવા થી શાપુર સુધીના 11 કિલોમીટરના માર્ગ પર રેલવે તંત્ર દ્વારા જમીન સંપાદન કરીને જૂનાગઢ અમરેલી મીટર ગેઈજ લાઈનને પલાસવા થી શાપુર જોડી દેવામાં આવે તો શહેરના તમામ આઠ ફાટકો ઘડીના છઠ્ઠા ભાગમાં દૂર થઈ જાય તેમ છે. વધુમાં નવા રેલવે જોડાણથી અમરેલી થી વેરાવળ જુનાગઢ અને પોરબંદર તેમજ રાજકોટ ટ્રેન મારફતે જનાર પ્રવાસીઓને આ રેલ્વે લાઈન આશીર્વાદ સમાન પણ સાબિત થશે.
જે રીતે ધોલેરા રેલવે પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઈને સરકારે ખૂબ જ ગણતરીના દિવસોમાં નિર્ણય કરીને આ રેલ્વે લાઈનને મંજૂરી અપાવવા માટે કામ કર્યું છે તેવી જ રીતે જો પ્લાસવા થી શાપુર સુધી માત્ર 11 કિલોમીટરના માર્ગ પર જમીન સંપાદન કરવામાં આવે તો 133 વર્ષ જૂની આ લાઈન જૂનાગઢ શહેરને ટ્રાફિક રેલવે ક્રોસિંગ અને અંડર બ્રિજની જંઝાળ માંથી મુક્તિ અપાવી શકે છે.--અમૃત દેસાઈ (રેલવે જોડાણ સમિતિના કન્વીનર)
આંદોલન કરવાની ચિમકી: અમે આજે સમિતિની રચના કરી છે. આગામી દિવસોમાં સમિતિ રેલવે વિભાગના અધિકારી પ્રધાન સાથે વાર્તાલાપો પણ કરશે અને તેમ છતાં જો રેલ્વે લાઈનને દૂર કરવામાં રેલવે વિભાગ કે અધિકારીઓ ઉદાસીન વલણ દર્શાવશે તો જૂનાગઢ ના લોકોને સાથે રાખીને આરઝી હકુમત ની માફક આંદોલન કરવાની ચિમકી પણ અમૃતભાઈ દેસાઈએ ઉચ્ચારી છે.